Get The App

ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે, સ્કિલ કેપિટલ બનવાની ક્ષમતા : મોદી

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે, સ્કિલ કેપિટલ બનવાની ક્ષમતા : મોદી 1 - image


- કુવૈતમાં 43 વર્ષમાં પહેલી વખત ભારતના પીએમનું આગમન

- મોદી રામાયણ-મહાભારતનું અરબીમાં અનુવાદ અબ્દુલ્લા બરેન, પ્રકાશક અલનેસેફ અને ૧૦૧ વર્ષના મંગલસેન હાંડાને મળ્યા

કુવૈત સિટી : ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-૧ ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના ભવિષ્યમાં દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે અને તેમાં દુનિયાનું સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કુવૈત સિટીમાં ભારતીય પ્રવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહના આમંત્રણ પર બે દિવસના પ્રવાસે કુવૈત પહોંચ્યા હતા. છેલ્લા ૪૩ વર્ષમાં કુવૈતનો પ્રવાસ કરનારા પીએમ નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે. કુવૈતમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

કુવૈત સિટીમાં શેખ સાદ અલ-અબ્દુલ્લાહ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય કોમ્યુનિટીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી એક છે, જેમણે કુવૈતની સ્વતંત્રતા બાદ તેને માન્યતા આપી હતી. હું કુવૈતના લોકો અને અહીંની સરકારનો ખૂબ જ આભારી છું. ભારત અને કુવૈતનો સંબંધ સભ્યતાઓ, સાગર અને વેપાર-કારોબારનો છે. ભારત અને કુવૈત અરબ સાગરના બે કિનારા પર વસેલા છે.

તેમણે ઉમેર્યું કે, ભારતને સૌથી વધુ જરૂર પડી ત્યારે કુવૈતે હિન્દુસ્તાનને લિક્વિડ ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડયો. હિઝ હાઈનેસ ધ ક્રાઉન પ્રીન્સે પોતે આગળ આવીને બધાને ઝડપથી કામ કરવા પ્રેરિત કર્યા. મને સંતોષ છે કે ભારતે પણ કુવૈતને રસી અને મેડિકલ ટીમ મોકલી આ સમસ્યા સામે લડવામાં મદદ કરી હતી. 

તેમણે ઉમેર્યું કે, ફિનટેકથી લઈને હેલ્થકેર સુધી, સમાર્ટ સિટીથી ગ્રીન ટેક્નોલોજી સુધી ભારતના સ્ટાર્ટઅપ કુવૈતની દરેક જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. ભારતના સ્કીલ્ડ યુથ કુવૈતના ભાવી પ્રવાસને નવી તાકત આપી શકે તેમ છે. ભારત આજે દુનિયાનું સ્કિલ કેપિટલ બનવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી ભારત દુનિયાની સ્કિલ ડીમાન્ડ પૂરું કરવા પણ સમર્થ છે.

પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં કુવૈત પહોંચતા જ ૧૦૧ વર્ષના પૂર્વ બ્યુરોક્રેટ મંગલસેન હાંડાને મળવાનું વચન પૂરું કર્યું. આ સાથે તેમણે રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કરનારા અબ્દુલ્લા બરેન અને તેને પ્રકાશિત કરનારા અબ્દુલ લતીફ અલનેસેફ સાથે પણ મુલાકાત કરી હતી.


Google NewsGoogle News