તાલિબાનોને વિકાસના સપનાં બતાવનાર ભારતને અફઘાનની સુરક્ષાની ખાતરી
- ભારત-તાલિબાનની બેઠકથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
- ભારત અફઘાનિસ્તાનમાં ઈરાનના ચા-બહાર બંદર મારફતે દ્વિ-પક્ષીય વેપાર વધારશે : વિદેશ સચિવ મિસ્રી
- અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારતના હિતો વિરુદ્ધ થવા નહીં દેવામાં આવે : તાલિબાનોના વિદેશ મંત્રી મુત્તાકી
દુબઈ : અફઘાનિસ્તાનમાં વર્ષ ૨૦૨૧થી તાલિબાનોનું શાસન ચાલી રહ્યું છે, જેને હજુ સુધી ભારતે સત્તાવાર માન્યતા આપી નથી. જોકે, હવે ભારતના વલણમાં પરિવર્તન આવી રહ્યું હોવાના સંકેતો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ દુબઈમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી હતી. તેમણે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા અપાતી માનવીય સહાય જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબમાં અફઘાનિસ્તાને ડુરાન્ડ લાઈન પર હુમલો કરી પાકિસ્તાનની કેટલીક ચોકીઓ પર કબજો કરી લીધો હતો. આવા સમયે હવે ભારત અને અફઘાનિસ્તાન નજીક આવી રહ્યા છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અફઘાનિસ્તાનને તેની જનતા માટે માનવીય સહાય અને વિકાસ સહાય ચાલુ રાખવા કટિબદ્ધતા દર્શાવી છે. આ સિવાય બંને દેશોએ ઈરાનના ચા-બહાર બંદરના માધ્યમથી વેપાર વધારવા સહમતી વ્યક્ત કરી છે.
પાકિસ્તાને ગયા વર્ષે અંદાજે પાંચ લાખ શરણાર્થીઓને પાછા અફઘાનિસ્તાન જવા ફરજ પાડી હોવાથી તેમના નાગરિકોના સ્વાસ્થ્ય મુદ્દે તાલિબાનો ભારે દબાણ હેઠળ છે. એવામાં ભારતે મુત્તાકીને અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત કરવા અને શરણાર્થીઓને પુનર્વસનમાં મદદરૂપ થવાની પણ ખાતરી આપી છે. આ સાથે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ક્રિકેટ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
ભારતના આ વચનો સામે તાલિબાનોએ પણ ભારતને વચન આપ્યું છે કે તેના દેશની ધરતીનો ઉપયોગ ભારતના હિતો વિરુદ્ધ નહીં થવા દે. વધુમાં પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ અને અફઘાનિસ્તાનમાં સ્થિર સરકાર અને વિકાસના મુદ્દાઓ પર પણ વિક્રમ મિસ્રી અને મૌલાના મુત્તાકી વચ્ચે ચર્ચા થઈ હતી.
જોકે, ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સંબંધોમાં થઈ રહેલા સુધારા અને આ ઉચ્ચ સ્તરીય બેઠકથી પાકિસ્તાનમાં દોડધામ મચી ગઈ છે. ભારતમાં લાંબા સમય સુધી રાજદૂત રહેલા પાકિસ્તાનના પૂર્વ અધિકારી અબ્દુલ બાસિતે કહ્યું કે, ભારત અને તાલિબાનના સંબંધો સુધરી જશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા પલટો કર્યો ત્યારે ભારત યુએનએસસીમાં અસ્થાયી અધ્યક્ષ હતું. તેણે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, દુબઈમાં આ બેઠક કરીને ભારતે તાલિબાનોને સ્વીકારી લીધા હોવાના સંકેતો આપ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભારત પાકિસ્તાન અને તાલિબાનોની લડાઈનો ભરપૂર ફાયદો ઊઠાવી રહ્યું છે.