સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ગાઝામાં યુદ્ધ વિરામ આવકાર્યો : વિના શર્તે બંધકોને મુકત કરવા અપીલ કરી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ગાઝામાં યુદ્ધ વિરામ આવકાર્યો : વિના શર્તે બંધકોને મુકત કરવા અપીલ કરી 1 - image


- રૂચિરો કેમ્બોજે કહ્યું : આજે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ છે ત્યારે પેલેસ્ટાઇનીઓ સાથેના દીર્ઘકાલીન સંબંધોની પુષ્ટિ કરે છે

યુનો : ઇઝરાયલ- હમાસ સંઘર્ષમાં યુદ્ધ વિરામની ચાર દિવસની મુદત વધુ બે દિવસ લંબાવવામાં આવી છે. ભારતે તેને આવકારતાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં આજના આંતરાષ્ટ્રીય એકતા દિવસે પેલેસ્ટાઇની નાગરિકો સાથે લાંબાગાળાના સંબંધોની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ- હમાસ યુદ્ધમાં આશરે ૧૫ હજારથી વધુનાં મૃત્યુ થયા છે. જો કે છેલ્લા પાંચ દિવસથી બંને પક્ષોએ યુદ્ધ વિરામ જાળવી રાખ્યો છે. દરમિયાન હમાસે ૧૨ વધુ બંધકોને મુક્ત કર્યા છે. તેને બદલે ઇઝરાયેલે ૩૦ પેલેસ્ટાઇનીઓને મુક્ત કર્યા છે.

યુનો સ્થિત ભારતમાં સ્થાયી પ્રતિનિધિ રૂચિરા-કમ્બોજે મહાસભામાં જણાવ્યું હતું કે, આજે ૨૯મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ છે. તે પ્રસંગે અમે પેલેસ્ટાઇનીઓ સાથે લાંબાગાળાના સંબંધોથી પુષ્ટિ કરીએ છીએ. પેલેસ્ટાઇનીઓને શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી અભિલાષા રાખીએ છીએ.

આ સાથે તેઓએ વધુમાં કહ્યું : મધ્યપૂર્વમાં સ્થિતિ તંગદિલી ભરી છે. ઇઝરાયલ હમાસ યુદ્ધને લીધે ત્યાં નાગરિકોના પણ જાન જાય છે. મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો સંકટમાં છે. આ અસ્વીકાર્ય જ છે. અમે માનવ જીવનની હાનીની નિંદા કરીએ છીએ. આ ક્ષેત્રમાં તંગદિલી ઘટે તેવા તમામ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ.

તેઓએ વધુમાં કહ્યું કે, 'અમારા વડાપ્રધાન ગાઝામાં શાંતિ માટે પ્રયાસો કરે છે. અમે માત્ર ચિંતા જ વ્યકત કરી નથી. પરંતુ ગાઝામાં ૭૦ ટકા માનવીય સહાય પણ મોકલી છે. તેના ૧૬.૫ ટન તો માત્ર દવાઓ અને ચિકીત્સા સુવિધાઓ છે. ભારત હંમેશા સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઇની તરફેણ કરે છે અને વિવાદને મંત્રણા દ્વારા ઉકેલવા તથા બે રાષ્ટ્ર સિદ્ધાંતને સમર્થન પણ આપે છે.


Google NewsGoogle News