મ્યાનમારમાં ઊજડી ગયેલી દુનિયા, ભારતીય સેના અને NDRF વસાવે છે : ભારતે સૌથી પહેલાં અને સૌથી વધુ રાહત સામગ્રી, ટુકડી મોકલી છે
- 22 એપ્રિલ સુધી ત્યાં સરકાર અને બળવાખોરો વચ્ચે યુદ્ધ વિરામ અંગે સહમતી : ચીને પણ રાહત સામગ્રી ટુકડી મોકલી પરંતુ ભારતે તો દિલ ખોલ્યું છે
નવીદિલ્હી/માંડલે : મ્યાનમારમાં ૨૮ માર્ચ, શુક્રવારે આવેલા ૭.૭ની તીવ્રતાના ભૂકંપે વ્યાપક નુકસાન કર્યું છે. ને ભૂકંપના સમાચાર મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર પર શાસન કરતા જુ.ટા.ચીફ સાથે તુર્ત જ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે અમે તત્કાલ રાહત ટુકડીઓ અને પાણી સહિતની તમામ સુવિધાઓ રવાના કરીએ છીએ.
આ ભૂકંપની અસર થાઈલેન્ડ, વિયેતનામ, લાઓસ તથા દક્ષિણ પશ્ચિમ ચીન સુધી થઈ હતી સાથે આફટર શોક્સ પણ લાગતા હતા. પ્રાપ્ય માહિતી પ્રમાણે ૩૦૦૦થી વધુનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ૪૫૦૦થી વધુ ઘાયલ થયા છે.
ભારતે ઓપરેશન બ્રહ્મા નીચે સેનાના જવાનો અને નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ (એન.ડી.આર.એફ.)ને રવાના કર્યા છે.
દેશના મધ્યસ્થ શહેર બીજા નંબરનાં માંડલેમાં એરપોર્ટ બંધ છે. વીજળી બંધ છે. ૪૦ ડિગ્રી સે.ની ગરમી છે. આ પરિસ્થિતિમાં ભારતે છ વિમાનો અને પાંચ નૌકાદળનાં જહાજો દ્વારા ૬૨૫ ટન રાહત સામગ્રી મોકલી છે. એરફોર્સનાં સી-૧૩૦જે, અને સી-૧૭ વિમાનો દ્વારા પહેલી ખેપ આંગૂન પહોંચાડી છે. આઇએનએસ સાતપૂડા અને આઇએનએસ સાવિત્રી દ્વારા ૩૧ અને ૧૯ ટન સામગ્રી, થિવાવા બંદરી ઉતારી હતી. જે સાગાઇંગ, માંડલે, નાય-પચી-તાલ, શાન અને બાગો જેવા પ્રદેશોમાં વહેંચવામાં આવી રહી છે.
ભારતીય સેનાએ માંડલે અને પાસેના વિસ્તારોમાં આફટર-શોક્સ વચ્ચે પણ કાચી હોસ્પિટલો રચી દીધી છે. જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે.
છેલ્લાં ૩ દિવસમાં ૮૦ શબ મલબા નીચેથી બહાર કઢાયાં છે. સેક્ટર-ડીમાં ૧૩ ઇમારતોમાં રાહત કાર્ય ચાલે છે. તેમાં ઉહલા-શીન-મઠ પણ સામેલ છે. ત્યાં ૨૭૦ બૌદ્ધ ભિખ્ખુઓ ફસાયા હોવાની આશંકા છે. તેઓને બચાવવા ભારતીય ટુકડીઓ મ્યાનમારના બંબા ખાતાના કર્મચારીઓ સાથે કામ કરે છે.
ભારતીય જવાનોએ માંડલેના જુના હવાઈ અડ્ડા ઉપર એક હોસ્પિટલ ઉભી કરી ત્યાં ઇજાગ્રસ્તો ઉપર ૨૩ સર્જરી કરી છે. ૧૩૦૦થી વધુ પેથોલોજિકલ ટેસ્ટ કરાયા છે. માંડલેમાં ચાલતાં રાહત કાર્યોના પ્રભારી લેફટ જન.મ્યો ઔંગે તે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભારતની સહાયની પ્રશંસા કરી હતી. આ ટીમે મહિલાઓ અને બાળકો માટે વિશેષ સુવિધા ઊભી કરી છે.
ભારતના આ પ્રયાસોની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી. સ્થાનિક નિવાસી હુસૈને કહ્યું તમો બહુ મહેનત કરો છો. અલ્લાહ ભારત અને તેના નેતાઓને બરકત આપે.
એક બૌદ્ધ સાધુએ કહ્યું હતું કે ભગવાન બુદ્ધના તમારી ઉપર આશિર્વાદ વરસો. અન્ય દેશોએ - ચીને પણ મ્યાનમારમાં સહાય મોકલી છે. પરંતુ ભારતે સૌથી વધુ સહાય (૬૦૦ ટનથી વધુ) અને સૌથી મોટી રાહત ટુકડીઓ મોકલી છે.