UNમાં લવાયેલા પ્રસ્તાવમાં ભારતનો મોટો નિર્ણય, પેલેસ્ટાઈન-સીરિયાને આપ્યો સાથ, ઈઝરાયલનું વધાર્યું ટેન્શન
India votes in favor of Palestine And Syria : ભારત સહિત 157 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલનો જોરદાર ઝટકો આપ્યો છે. ઈઝરાયલે પૂર્વ જેરૂસલેમ સહિત પેલેસ્ટાઈનના અનેક વિસ્તારો પર 1967થી કબજો કર્યો છે, ત્યારે આ વિસ્તારો પરત કરી દેવા માટે આ દેશોએ વિરોધ નોંધાવ્યો છે. આ તમામ દેશોએ પેલેસ્ટાઈનના કબજે કરેલા તમામ વિસ્તારો પરત આપી દેવા તેમજ તે વિસ્તારોમાંથી પરત જતા રહેવાની તરફેણમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં વ્યાપક, ન્યાયપૂર્વ અને કાયમી શાંતિ સ્થાપવાનું ફરી આહ્વાન કરવામાં આવ્યું છે.
અમેરિકાએ ઈઝરાયલની તરફેણમાં મતદાન કર્યું
આ દરમિયાન સેનેગલ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘પેલેસ્ટાઈનના પ્રશ્નોનું શાંતિપૂર્ણ સમાધાન’ અંગેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, જેને 193 સભ્યોની મહાસભાએ ભારે બહુમતી સાથે સ્વિકારી લીધો છે. બેઠક દરમિયાન ભારત સહિત 157 દેશોએ ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે આઠ દેશો આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયેલ, માઇક્રોનેશિયા, નૌરુ, પલાઉ, પપુઆ ન્યુ ગિની અને અમેરિકાએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. બેઠકમાં કેમરૂન, ચેકિયા, એક્વાડોર, જ્યોર્જિયા, પેરાગ્વે, યુક્રેન અને ઉરુગ્વે ભાગ લીધો ન હતો.
સંયુક્ત રાષ્ટ્રએ પ્રસ્તાવના આધારે ‘પશ્ચિમ એશિયામાં કોઈપણ વિલંબ વગર વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ સ્થાપવા’ તથા પૂર્વ જેરુસલેમ સહિત ઈઝરાયલે 1967માં કબજે કરાયેલા વિસ્તારો પરત કરવાના ફરી કરાયેલા આહવાનનો પુનરોચ્ચાર કર્યો છે.
આ પણ વાંચો : દક્ષિણ કોરિયામાં મહામુશ્કેલી, ઈમરજન્સી લાગુ કરાતા અનેક શહેરોમાં દેખાવો, વાહનોમાં તોડફોડ
ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો અભિન્ન હિસ્સો
આ પ્રસ્તાવમાં ઈઝરાયલને પૂર્વ જેરુસલેમ સહિત 1967થી કબજે કરાયેલા પેલેસ્ટાઈનના વિસ્તારોમાંથી પરત જતા રહેવા તેમજ પેલેસ્ટાઈનના લોકોના અધિકારને સાકાર કરવાનું આહવાહન કરવામાં આવ્યું છે. મહાસભાએ પ્રસ્તાવને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સમાધાન માટે 157 દેશોના સમર્થનની પુષ્ટી કરી છે, જે મુજબ બંને દેશો માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર શાંતિ તેમજ સુરક્ષા જાળવી રાખી એક સાથે રહેશે. પ્રસ્તાવમાં ગાઝા પટ્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ગાઝા પટ્ટીના વિસ્તારોનું પરિવર્તન કરવાના પ્રયાસોનો અસ્વિકાર કરવામાં આવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો અભિન્ન હિસ્સો છે, તેથી ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો ભાગ ગણાશે.
સીરિયાના વિસ્તારો પર પણ કબજો
આ પ્રસ્તાવમાં સીરિયાના કબજે કરાયેલા વિસ્તાનોનો પણ ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તાવ મુજબ સૈન્ય હુમલાઓ, વિનાશ અને આતંકવાદી કૃત્યો સહિત કોઈપણ હિંસાકીય કાર્યવાહી તાત્કાલીક બંધ કરવા અને તેને રોકી દેવા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.
ભારતે મહાસભામાં વધુ એક પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, ‘સંબંધિત સુરક્ષા પરિષદના ઠરાવોના અમલીકરણમાં ઈઝરાયલે કબજા હેઠળના સીરિયન ગોલાનમાંથી પીછેહઠ કરવી જોઈએ અને જૂન 1967માં નિર્ધારિત કરાયેલી સરહદ રેખાઓ મુજબ પાછા ફરવું જોઈએ.’
સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, ગોલન હાઈટ્સ સીરિયાનો હિસ્સો છે. 1967માં ઈઝરાયલ અને સીરિયા વચ્ચે છ દિવસ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં ઈઝરાયલે ગોલન હાઈટ્સ પર કબજો કરેલો છે. આ વિસ્તાર પરત આપી દેવાના પ્રસ્તાવનું 97 દેશોએ સમર્થનમાં અને આઠ દેશોએ વિરોધમાં મતદાન કર્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈઝરાયલ, બ્રિટન અને અમેરિકા સહિત 64 દેશોએ મતદાનથી દૂર રહ્યા હતા.