ભારત-અમેરિકા સંબંધો ઝડપભેર અને ઉત્તેજિત રીતે આગળ વધી રહ્યા છે : પેન્ટાગોન
- બાયડેન હોય કે ટ્રમ્પ બંને દેશોના સંબંધો નિરપેક્ષ રીતે આગળ વધી રહ્યા છે, તેમાં સંરક્ષણ ઉદ્યોગો, ઈન્ડો પેસિફિક સલામતી સમાવિષ્ટ છે
વોશિંગ્ટન : ભારત-અમેરિકા સંબંધો ઝડપભેર અને ઉત્તેજિત રીતે આગળ વધી રહ્યા છે, અને બાયડેન હોય કે ટ્રમ્પ હોય બંને દેશોના સંબંધો નિરપેક્ષ રીતે આગળ વધે છે. તેમાં સંરક્ષણ સાધનો, સંરક્ષણ ઉદ્યોગો અને ઈન્ડોપેસિફિક સલામતી પણ આવૃત્ત છે. તેમ કહેતા આસીસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડીફેન્સ ફોર ઈન્ડો પેસિફિક સિક્યુરીટી અફેર્સના વડા એલી રેડનરે પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'તે (ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધને) એક સતત વિકસી રહેલો વિસ્તાર છે. તેને ભારત-ચીન સંબંધો સુધરે કે બગડે તે સાથે સીધો સંબંધ નથી.' રેટનરે એક પ્રશ્નના ઉત્તરમાં આ સ્પષ્ટતા કરી હતી.
અમેરિકાએ ભારતને એક 'અગ્રીમ સંરક્ષણ ભાગીદાર'નું પદ આપ્યું છે તેથી સંરક્ષણ સંબંધો મહત્વના આધાર સ્તંભ સમાન છે.
ઓક્ટોબરમાં ભારતે અમેરિકા સાથે ૩૧ જનરલ એટોમિક્સ એમ.ક્યુ-૯બી (૧૬ સ્કાય ગાર્ડીયન અને ૧૫ સી ગાર્ડીયન) જે રીમોટથી સંચાલિત છે, તેવા વિમાનોનો સોદો કર્યો છે. તેમાં તેનાં આનુષંગિક ઉપકરણો પણ સમાવિષ્ટ છે. આ ઉપકરણો જાસૂસી માટે ઉપયોગી છે અને આસપાસના વિસ્તારો ઉપર પણ ધ્યાન રાખી શકે તેવી (આઈએસઆર) ક્ષમતાઓ પણ ધરાવે છે. તેથી ભારતનાં સશસ્ત્ર દળોને તત્કાળ માહિતી (શત્રુ સેના વિષે) મળી શકે તેમ છે.
ભારત અને યુ.એસે. આ વર્ષે સિક્યુરીટી ઓફ સપ્લાય એરેન્જમેન્ટ (એસ.ઓ.એસ.એ) કરારો કર્યા છે. જેમાં બંને દેશો પરસ્પર સાથે સંરક્ષણ સાધનો અને સેવાઓની આપ-લે કરી શકે તેમ છે. આ સાથે સંરક્ષણ સાધનો માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ બાયડેન વચ્ચે સમજૂતી સાધવામાં આવી છે. આ સમજૂતી વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત સમયે સાધવામાં આવી હતી. તેમ પણ પેન્ટાગોનનાં સાધનોએ જણાવ્યું હતું.