બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના ખતરનાક દૃશ્યો, યુનુસ સરકાર મૌન, ભારત લાલઘુમ
યુનુસ
Attacks on Hindus in Bangladesh: બાંગ્લાદેશના ચટગાંવમાં હિન્દુ સમુદાય પર તાજેતરમાં સંગઠિત હુમલાને કારણે તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશી પોલીસ અને સેના પર આ ઘટનાઓના અત્યાચારમાં સામેલ હોવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના ભયાનક દૃશ્યો દેખાઈ રહ્યા છે, જે ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે. ભારત સરકારે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે અને બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક પગલાં ભરવાની માંગ કરી છે.
ચટગાંવમાં શું થયું હતું?
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે 5 નવેમ્બરે ચટગાંવના હજારી ગલી વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. જમાત-એ-ઈસ્લામીના સભ્ય ઉસ્માન અલી દ્વારા હિન્દુ ધર્મ અને ઇસ્કોન પર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેનાથી હિન્દુ સમુદાયમાં રોષ ફેલાયો હતો. જ્યારે હિન્દુ સમુદાયે આ ટિપ્પણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું ત્યારે પોલીસ અને સેનાએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી. આ સમય દરમિયાન ઘણા હિન્દુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 49 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લગભગ 582 લોકો સામે કેસ પણ નોંધ્યો છે.
તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો કર્યો શેર
પ્રખ્યાત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પોલીસ અને સુરક્ષા દળો લાઠીચાર્જ કરતાં અને દેખાવકારો પર ગોળીઓ ચલાવતા જોઈ શકાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યા, જેના કારણે હિંસાના પુરાવા એકત્ર કરવામાં મુશ્કેલી પડી.
હિન્દુ નેતાઓએ ભેદભાવનો આરોપ લગાવ્યો
ચટગાંવ મેટ્રોપોલિટન પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ પોલીસ પર ઈંટો અને એસિડ ફેંક્યા, જેમાં નવ અધિકારીઓ ઘાયલ થયા. પરંતુ હિન્દુ નેતાઓનો આરોપ છે કે પોલીસે ભેદભાવપૂર્વક હિન્દુ સમુદાયને નિશાન બનાવ્યો અને તેમના ઘરોમાં તોડફોડ કરી, જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો પણ હિંસામાં સામેલ હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? ટ્રમ્પની જીતથી શેખ હસીનાને વાપસી આશા
ભારતે કરી આકરી ટીકા
ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલી હિંસા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસે હિંસાની નિંદા કરી છે, પરંતુ હિન્દુઓની સુરક્ષા માટે નક્કર પગલાં ન લેવા બદલ તેમના વલણ પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતે યુનુસ સરકાર પાસે હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.