ઇઝરાયેલની ટીકા કરતા ઠરાવને ભારતનો ટેકો
- હમાસ સામે યુદ્ધ વચ્ચે ગાઝા પર ઇઝરાયેલના કબજાનો યુએનમાં વિરોધ
- ગાઝામાં ઇઝરાયેલી સેનાનો હોસ્પિટલ કમ્પાઉન્ડ ઉપર આખી રાત બોમ્બ-મિસાઈલમારો ઃ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓના જીવ જોખમમાં
- હોસ્પિટલમાં ઇંધણ, દવા ખૂટી પડયા ઃ ૧૫૦૦ દર્દી, ૧૫૦૦૦ આશ્રિતોના અસ્તિત્વનો સવાલ
- અમેરિકા અને કેનેડાના વિરોધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલ વિરોધી પ્રસ્તાવને મંજૂરી
- હમાસે અહીં છૂપી છાવણી બનાવી છે એટલે હુમલા બંધ નહિ થાય ઃ ઇઝરાયેલ
ન્યૂ યોર્ક : પેલેસ્ટાઈન કેટલાક ભાગો ઉપર ઇઝરાયેલના કબજાની નિંદા કરતા યુંનાઈટેડ નેશન્સના એક ઠરાવને અમેરિકા અને કેનેડાના વિરોધ વચ્ચે ભારતે ટેકો આપી તરફેણમાં મતદાન કર્યું હતું. પૂર્વ જેરુસલેમ અને સીરીયન ગોલાન વિસ્તાર જે પેલેસ્ટાઇનની માલિકીના હોવા છતાં ઈઝરાયેલે કબજો જમાવી રાખ્યો હોવાની ટીકા કરતો ઠરાવ છે. અમેરિકા અને કેનેડા સાહિત સાત દેશોએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો જયારે લગભગ ૧૭ દેશોએ મતદાનથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું. બીજી બાજુ ગાઝા વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ નજીક ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે તબીબી સારવારની કાર્યવાહીને અસર પડી રહી છે અને સત્તાવાળાઓને હોસ્પિટલ બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામીન નેતાનયાહૂએ ઓક્ટોબર ૭ના હુમલામાં હમાસે અપહરણ કરેલા ૨૪૦ જેટલા નાગરીકોને છોડી મુકવામાં આવે નહી ત્યાં સુધી હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારમાં યુદ્ધ બંધ નહી કરવાની જાહેરાત કરી છે.
રવિવારે ઇઝરાયેલની સેનાએ ગાઝાની શિફા હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારમાં રાતભર બોમ્બવર્ષા, હવાઈ હુમલા કર્યા હતા. કોઇપણ પુરાવા વગર ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હમાસના ત્રાસવાદીઓએ હોસ્પિટલની અંદર અને બહારના કમ્પાઉન્ડમાં એક છૂપી છાવણી ઉભી કરી છે. હમસે આ બાબતનો ઇનકાર કર્યો હતો.
શિફા હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા દર્દીઓ અને એટલી જ સંખ્યામાં મેડીકલ સ્ટાફ છે. આ ઉપરાંત, ઇઝરાયેલના સતત હુમલાના કારણે ૧૫૦૦૦ જેટલા નાગરીકોએ અહી આશ્રય મેળવ્યો છે. ઇઝરાયેલની બોમ્બવર્ષાના કારણે હોસ્પિટલનો બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો છે, કોઈ સહાય પહોચી રહી નથી અને વીજળી પણ બંધ છે. શનિવારે ઇંધણ ખૂટી જતા ઇન્ક્યુબેટરમાં રહેલા એક બાળકનું હોસ્પિટલમાં ઇંધણ ખૂટી પડતા મૃત્યુ થયું છે અને આવું જ જોખમ અન્ય ૩૭ જેટલા બાળકો ઉપર છે.
હોસ્પિટલની આસપાસ બે દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલા રોકવા નેતાનયાહૂ ઉપર દબાણ વધી રહ્યું છે પરંતુ ઈઝરાયેલે હુમલા બંધ નહી જ થાય એવી જાહેરાત કરી છે. ઈઝરાયેલે જણાવ્યું હતું કે અમે સમયાંતરે હમાસ ઉપર હુમલા અટકાવીશું જેથી શિફામાં કામગીરી થઇ શકે પણ તે સદંતર બંધ કરવામાં નહી આવે.
બીજી તફ, પેલેસ્ટાઈન રેડ ક્રિસેન્ટ નામની સંસ્થાએ જણાવ્યું હતું કે ગાઝાની અલ કૂદસ નામની હોસ્પિટલ પાસે ઇંધણ નહી હોવાથી તે બંધ કરવા ફરજ પડી છે. એક મહિના પહેલા ગાઝાનું એકમાત્ર વીજમથક બંધ પડયું છે અને ઈઝરાયેલે હમાસ ઉપર યુદ્ધ શરુ થયું ત્યારથી ગાઝામાં ઇંધણની આયાત બંધ કરાવી છે. યુદ્ધના કારણે ગાઝાની કુલ વસતીના બે તૃતીયાંશ લોકો બેઘર બન્યા છે અને મોટાભાગનાએ ઈજીપ્તમાં શરણ મેળવ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના અંદાજ અનુસાર યુદ્ધ શરુ થયા પછી મહિલાઓ અને બાળકોની બહુમતીમાં ૧૧,૦૦૦ જેટલા પેલેસ્ટાઈન નાગરીકોના મૃત્યુ થયા છે. લગભગ ૨૭૦૦ જેટલા વ્યક્તિઓની કોઈ ભાળ મળી રહી નથી. સામે ઇઝરાયેલના પક્ષે ૧૨૦૦ જેટલા નાગરીકોના મૃત્યુ થયા છે જેમાં ૪૬ સૈનિકો પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ અગાઉ, ભારતે ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલ અને હમાસ તાત્કાલિક શસ્ત્ર વિરામની જાહેરાત કરે એવા યુનોના ઠરાવમાં ભાગ લીધો ન હતો ઓક્ટોબરની તા.૭ના રોજ હમસે ઇઝરાયેલ ઉપર રોકેટ મારો ચલાવ્યો હતો અને તેની સામે ઈઝરાયેલે ગાઝા ઉપર વળતો હુમલો શરુ કર્યો છે. ઇઝરાયેલના હુમલામાં ગાઝા વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકોની ખુવારી વધી રહી છે, હોસ્પિટલ, રહેઠાણ અને શાળાઓ ઉપર હુમલા થઇ રહ્યા છે એથી વિશ્વના કેટલાક દેશોએ માનવતાના ધોરણે બન્ને પક્ષે શસ્ત્ર વિરામની જાહેરાત કરે એના માટે એ પ્રસ્તાવ મુક્યો હતો.
એ ઠરાવમાં ભાગ નહી લેતા ભારતે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે ગાઝામાં માનવીય કટોકટી અંગે ભારત ચિંતિત છે પરંતુ હમાસે કરેલા ત્રાસવાદી હુમલાની કોઈ તરફેણ શક્ય નથી. એ ઠરાવમાં હમાસના કૃત્યનો ઉલ્લેખ કે ટીકા નહી હોવાથી ભારતે તેના મતદાનમાં ભાગ લીધો હતો નહિ. ભારતે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા હમેશા જણાવ્યું છે કે ભારત આ મામલે બે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રોની તરફેણ કરે છે અને તેના માટે બન્ને પક્ષે સરહદની ઓળખ અને શાંતિ માટે વાટાઘાટથી જ ઉકેલ માટે પ્રયત્ન થવા જોઈએ.