Get The App

UNમાં ભારતની જોરદાર કૂટનીતિ, એક તરફ પેલેસ્ટાઈન અને બીજી બાજુ ઈઝરાયલ સાથે 'મિત્રતા' નિભાવી

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
UNમાં ભારતની જોરદાર કૂટનીતિ, એક તરફ પેલેસ્ટાઈન અને બીજી બાજુ ઈઝરાયલ સાથે 'મિત્રતા' નિભાવી 1 - image


UNHRC resolution: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં અદભૂત કૂટનીતિ બતાવી છે. જ્યાં એક તરફ ભારતે પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું તો બીજી તરફ ઈઝરાયેલ સાથે પણ મિત્રતા જાળવી રાખી છે. યુએનએચઆરસીમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રોકવા અને ઇઝરાયેલને શસ્ત્રોની સપ્લાય અટકાવવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે તેનાથી દૂરી બનાવી હતી.

ભારત પ્રસ્તાવથી દૂર રહ્યું

શુક્રવારે રજૂ કરાયેલા ઠરાવ પર કાઉન્સિલે ચિંતા વ્યક્ત કરી છે અને ગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની નિંદા કરી છે. 47 સભ્યોની કાઉન્સિલમાં, 28 દેશોએ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું  તો છ દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે 13 સભ્ય દેશો ગેરહાજર રહ્યા હતા. ભારત ફ્રાન્સ, જાપાન, રોમાનિયા અને અન્ય સાથે ઠરાવથી દૂર રહ્યું હતું. યુએસ, જર્મની, બલ્ગેરિયા અને આર્જેન્ટિના ઠરાવનો વિરોધ કરનારા મુખ્ય દેશોમાં હતા. આ ઉપરાંત યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં રશિયા, ચીન, બાંગ્લાદેશ, બેલ્જિયમ, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, મલેશિયા, કુવૈત, માલદીવ, કતાર, દક્ષિણ આફ્રિકા, યુએઈ અને વિયેતનામનો સમાવેશ થાય છે. ઈઝરાયેલના રાજદૂતે તો ઠરાવના વિરોધમાં સત્રનો પણ બહિષ્કાર કર્યો હતો.

ભારત સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યના પક્ષમાં

માનવાધિકાર પરિષદમાં ભારતે પેલેસ્ટિનિયનો માટે સ્વતંત્ર દેશની સ્થાપના અને તેમના સ્વ-નિર્ણયના અધિકાર સાથે સંબંધિત એક અન્ય ઠરાવમાં તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઠરાવમાં ભારત સહિત 42 સભ્ય દેશોએ  સમર્થનમાં જ્યારે અમેરિકા અને પેરાગ્વેએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અલ્બેનિયા, આર્જેન્ટિના અને કેમરૂન મતદાનથી દૂર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની રચનાને સમર્થન આપવાની ભારતની જૂની નીતિ છે, જ્યારે મોદી સરકાર ઈઝરાયેલ સાથે સંબંધોને મજબૂત બનાવી રહી છે અને પેલેસ્ટાઈન સંબંધિત દેશની નીતિ જાળવી રહી છે.

UNમાં ભારતની જોરદાર કૂટનીતિ, એક તરફ પેલેસ્ટાઈન અને બીજી બાજુ ઈઝરાયલ સાથે 'મિત્રતા' નિભાવી 2 - image


Google NewsGoogle News