બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
India Objection To Bangladsh: બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે.
'બાંગ્લાદેશની વચગાળાની સરકારને પોતાની જવાબદારી નિભાવે'
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાથી અમને દુઃખ થયું છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારોની શ્રેણીનો ભાગ લાગે છે, જ્યારે જૂના કેસોના ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરે છે.'
તેમણે વધુમાં લખ્યું કે, 'અમે આ ક્રૂર હત્યાની નિંદા કરીએ છીએ અને ફરી એકવાર બાંગ્લાદેશની વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈપણ બહાના કે ભેદભાવ વિના હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે.'
ભાવેશ ચંદ્ર રોયનું અપહરણ કરીને હત્યા કરી
ઢાકાથી લગભગ 330 કિ.મી. ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ભાવેશ ચંદ્ર રોય (58)નો મૃતદેહ ગુરુવારે (17મી એપ્રિલ) રાત્રે મળી આવ્યો હતો. ભાવેશ ચંદ્ર રોયને સાંજે 4:30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો અને ગુનેગારોએ ઘરમાં તેમની હાજરીની પુષ્ટિ કરવા માટે ફોન કર્યો હતો. લગભગ 30 મિનિટ પછી, ચાર માણસો બે બાઈક પર આવ્યા અને તેનું અપહરણ કરીને હત્યા કરાઈ હતી.