...તો ભારતને સિંધુ નદીના પાણીના બદલામાં પીઓકે દાયકાઓ પહેલા જ પાછું મળી ગયું હોત
Indus Waters Treaty: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લઈ લીધો. હુમલા બાદ મોદી સરકારે કુલ 5 નિર્ણય લીધા છે. જેમાં અટારી ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાનીઓના વિઝા બંધ કરવા, પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફ ઘટાડવો અને પાકિસ્તાનમાં ભારતના દૂતાવાસમાંથી લશ્કરી સલાહકારોને પાછા બોલાવી લેવા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધોને જોતાં બાકીના નિર્ણયોથી પાકિસ્તાનને બહુ ફરક નહીં પડે પણ સિંધુ જળ સ્થગિત કરવાનો નિર્ણય મહત્ત્વનો છે કેમ કે સિંધુ સહિતની છ નદીઓના પાણી પાકિસ્તાનની લાઇફ લાઇન છે. પાકિસ્તાન માટે સિંધુ જળ સંધિ એટલી જરૂરી છે કે જો સંધિ દરમિયાન ભારતે પીઓકેની માંગ કરી હોત તો તે પણ ભારત પાછું લઈ શક્યું હોત. જાણો કઈ રીતે.
ભારત સિંધુ નદીના પાણીના બદલામાં પીઓકે પાછું લઈ શક્યું હોત
સિંધુ જળ સંધિને વિશ્લેષકો જવાહરલાલ નેહરુએ કરેલી વધુ એક ભૂલ માને છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેંચણી માટે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સિંધુ જળ સંધિ થઈ પણ તેના બહુ પહેલાં આ સંધિ અંગે વાટાઘાટો શરુ થઈ ગયેલી.
આ પણ વાંચો: 'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી
દેશની આઝાદી પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ ચરમસીમા પર હતી. ભારતે એ વખતે સિંધુ નદીનું પાણી રોકીને પાકિસ્તાનને પરચો બતાવ્યો હતો. ભારતે આ મુદ્દાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરીને પાકિસ્તાનનું નાક દબાવવાની જરૂર હતી. ભારતે એ વખતે કાશ્મીરનો પચાવી પાડેલો પ્રદેશ એટલે કે પીઓકે પાછો મેળવવાની શરત મૂકવાની જરૂર હતી.
ચીન પણ ત્યારે પાકિસ્તાનની સાથે નહીં પણ ભારત સાથે હતું તેથી સિંધુ નદીનું પાણી રોકી દેવાની ભારતની યોજનામાં ચીન પણ સાથ આપે તેમ હતું. ભારતે મુત્સદીગીરી બતાવીને સિંધુ નદીના પાણીના બદલામાં પીઓકે પાછું લઈ લેવાની જરૂર હતી કેમ કે પાકિસ્તાનને ત્યારે પાણીની જરૂર હતી તેથી ગમે તે શરત માનવા તૈયાર થઈ ગયું હોત.