યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર બેસૂરો રાગ, ભારતે નોંધ સુધ્ધા ના લીધી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર બેસૂરો રાગ, ભારતે નોંધ સુધ્ધા ના લીધી 1 - image

ન્યૂયોર્ક,તા.22 નવેમ્બર 2023,બુધવાર

ભારતે યુએનની સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરને લઈને કરેલા કકળાટને ફગાવી દીધો છે અને અયોગ્ય ઠેરવ્યો છે. 

સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ તેમજ સુરક્ષાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તે વિષય પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના યુએનના રાજદૂત મુનીર અકરમે આદત પ્રમાણે પોતાની ટિપ્પણીમાં કાશ્મીરનો સંદર્ભ આપ્યો હતો. 

જેના પર ભારતના રાજદૂત આર મધુસૂદને કહ્યુ હતુ કે, મારા દેશ સામે એક પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી અયોગ્ય અને આદત અનુસારની ટિપ્પણીઓને ફગાવી દેવામાં મને માત્ર ગણતરીની સેકન્ડ લાગશે પણ હું તેના પર પ્રતિક્રિયા આપીને આ પ્રતિનિધિને સન્માનિત કરવા માંગતો નથી. 

આમ ભારતે પાકિસ્તાનની ટિપ્પણીનો જવાબ સુધ્ધા આપવાનુ મુનાસિબ સમજ્યુ નહોતુ અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. 

પાકિસ્તાનને કોઈ પણ વિષય પર આંતરરાષ્ટ્રીય બેઠક યોજાઈ હોય પણ ગમે તેમ કરીને પણ કાશ્મીર મુદ્દો ઉઠાવવાની આદત પડી ગઈ છે. જોકે હવે દુનિયાના બીજા દેશો પણ પાકિસ્તાનથી કંટાળી ગયા છે અને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને કોઈ ભાવ આપી રહ્યા નથી. 

બીજી તરફ ભારત પણ દુનિયાને કહી ચુકયુ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય અમારો આંતરિક મામલો છે. પાકિસ્તાને હવે આ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. 


Google NewsGoogle News