ટ્રમ્પની આ ઓફર ભારતે ફગાવી દીધી, ટેરિફની ચર્ચા વચ્ચે વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
Donald Trump: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ચીન વિશે પણ વાતચીત કરવામાં આવી છે. આ દરમિયાન ભારત અને ચીનના સીમા વિવાદને રોકવા માટે ટ્રમ્પે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રસ્તાવને નકારી દીધો છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, આવા મુદ્દે ભારતનો દૃષ્ટિકોણ હંમેશા દ્વિપક્ષીય રહ્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, અમારા કોઈપણ પાડોશી સાથે અમારા જે મુદ્દા છે તેનો અમે દ્વિપક્ષીય વાતચીત સાથે ઉકેલ લાવીશું'.
મધ્યસ્થતાનો મૂક્યો પ્રસ્તાવ
વૉશિંગટન ડી.સીમાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ચીન મુદ્દે આ પ્રસ્તાવ મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'હું ભારતને જોઉં છું, હું ભારત-ચીન સીમા પર ભયાનક અથડામણ પણ જોઉં છું અને મને લાગે છે કે, આવું ચાલ્યા કરે છે. આ બધું રોકવા માટે જો હું કંઈ મદદ કરી શકું તો મને ખુશી થશે. કારણ કે, આ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે ઘણું હિંસક છે'.
ટેરિફ મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ સચિવ મિસ્ત્રીએ ટેરિફને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે છેલ્લાં ઘણાં સમયથી ટેરિફ પર ચર્ચા સાંભળી રહ્યા છીએ. હવે આ મુદ્દે બંને નેતાઓએ વાતચીત કરી છે. બંને પક્ષોએ પોતપોતાનો દૃષ્ટિકોણ એકબીજા સામે મૂક્યો છે. હવે ભારત અને અમેરિકાને દ્વિપક્ષીય વ્યાપાર કરાર પર આગળ વધવાનો રસ્તો મળી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલાં કાર્યકાળથી જ દ્વિપક્ષીય વ્યાપારના કરાર પર આગળ વધવા ઇચ્છતા હતા.
જણાવી દઈએ કે, 2020માં ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા તો બંને દેશની વચ્ચે ટ્રેડ ડીલ પર સંમતિ બની હતી પરંતુ, આ કરાર આગળ ન વધી શક્યો. થોડા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સત્તાથી બહાર થઈ ગયા અને અમેરિકામાં જો બાઇડેનની સરકાર આવી ગઈ.
આ સિવાય અમેરિકાના ફાઇટર જેટ્સની ખરીદી માટે ટ્રમ્પના પ્રસ્તાવને લઈને વિદેશ સચિવે કહ્યું કે, હજુ આ પ્રસ્તાવ શરુઆતના તબક્કામાં છે. આ વિશે અત્યાર સુધી કોઈ સત્તાવાર વાત કરવામાં નથી આવી.
ચીન વિશે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
નોંધનીય છે કે, પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર દ્વારા ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, જો ભારત સાથે વ્યાપારને લઈને આ પ્રકારની કડકાઈ બતાવતા રહેશો તો ચીનને કેવી રીતે માત આપી શકશો? જેનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે કોઈને પણ માત આપી શકીએ છીએ પરંતુ, અમારો હેતુ કોઈને માત આપવાનો નથી. અમે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છીએ અને સારું કામ કરી રહ્યા છીએ. કોવિડ-19 પહેલાં સુધી ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી ઝિનપિંગ અમારા સારા મિત્ર હતા. આ સાથે જ રશિયા અને યુક્રેન યુદ્ધને ખતમ કરાવવા માટે ચીન અમેરિકાની મદદ કરી શકે છે.