માલદીવને 'ડીફોલ્ટ'માંથી બચાવવા ભારત આપાતકાલીન સહાય કરવા તૈયાર થયું
- માલદીવના ચલણનું નામ 'રૂફિયા' છે
- રીઝર્વ બેન્કના મુદ્રા વિનિમય કાર્યક્રમ નીચે માલદીવ 400 મિલિયન ડોલર ઉપાડી શકશે : 2019માં ભારતે 800 મિલિયન ડોલરની ક્રેડીટલાઈન આપી હતી
નવીદિલ્હી : ભારત સરકારે માલદીવને આપાતકાલીન આર્થિક સહાય આપવા તૈયારી દર્શાવી છે. માલદીવ ઉપર આજે 'ડીફોલ્ટ'નો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતે એક સારા પાડોશી તરીકે રીઝર્વ બેન્ક દ્વારા આર.બી.આઈ.ના મુદ્રા-વિનિમય કાર્યક્રમ નીચે માલદીવને બેન્કે ફોરન એક્ષચેન્જ કાર્યક્રમ નીચે ૪૦૦ મિલિયન ડોલર ઉપાડવાની પરવાનગી આપી છે. આ પૂર્વે પણ આર.બી.આઈ દ્વારા ભારતે માલદીવને ૮૦૦ મિલિયન ડોલરની ક્રેડિટલાઈન આપી હતી. તેના આધારે માલદીવ લાંબા સમયની લોન પણ માંગી શકે તેવી વ્યવસ્થા છે.
હજી આ અંગે કોઇ આખરી હકીકત સત્તાવાર રીતે પ્રસિદ્ધ થઇ નથી, પરંતુ બ્લૂમબર્ગમાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે આગામી સપ્તાહોમાં પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુ ભારતની મુલાકાતે આવશે. ત્યારે આ વિષે મંત્રણ થશે. મુઇજ્જુની સાથે એક પ્રતિનિધિ મંડળ પણ ભારત આવે તેવી પૂરી સંભાવના છે. ભારત તેને સહાય કરે તે પૂરી શક્યતા છે તેથી તેને હવે પછીના હપ્તા ચુકવવામાં રાહત રહેશે.
અત્યારે માલદીવ ઉપર 'ઇસ્લામિક બોન્ડ' અંગે હપ્તા ચુકવવામાં ડીફોલ્ટર થવાનો ભય તોળાઈ રહ્યો છે. તેણે હપ્તાથી લોન ચુકવવાના કરારો કર્યા હતા, પરંતુ હપ્તા જ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. ભારતનું વિદેશ મંત્રાલય તે અંગે મૌન છે.
બ્લુમ બર્ગના આંકડા પ્રમાણે માલદીવે ઓક્ટોબરમાં ૫૦૦ મિલિયન ડોલર્સના દેવાના હપ્તાની ચુકવણીના ભાગરૂપે ૨૫ મિલિયન ડોલર્સ ચુકવવાના છે. માલદીવે જણાવ્યું હતું કે, ભારત સાથે તે ૪૦૦ મિલિયન ડોલરના ફોરેન એક્ષચેન્જ માટે પ્રયત્નો કરે છે. તેમાં રાહત થવાની પૂરી શક્યતા છે.
ભારત-માલદીવ વચ્ચે છેલ્લાં કેટલાક વર્ષોથી તણાવ ચાલતો હતો, પરંતુ વડાપ્રધાન મોદીએ તેઓના ત્રીજા કાર્યકાળના શપથવિધિ સમારોહમાં મુઇજ્જુને આમંત્રણ અપાયું હતું. તેઓ આવ્યા ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું. થોડા સમય પૂર્વે વિદેશમંત્રી જયશંકર માલદીવ ગયા હતા, ત્યાં કેટલીક મહત્વની ભાગીદારી માટે કરારો થયા હતા.
થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે અયોગ્ય ટીકા કરનાર મંત્રીને મુઇજ્જુએ પદ પરથી દૂર કર્યા હતા.
હવે પ્રમુખ મુઇજ્જુ ભારત આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠકમાં બંને દેશો વચ્ચે નવેસરથી સંબંધો બંધાશે.
એક સમયે માલદીવ બ્રિટિશ સામ્રાજ્યમાં હતું. શ્રીલંકા પણ બ્રિટનના તાબામાં હતું. શ્રીલંકા દ્વારા માલદીવનો વહીવટ ત્યાંના બ્રિટિશ ગવર્નર કરતા હતા. શ્રીલંકા આઝાદ થયું તુર્ત જ માલદીવ આઝાદ થયું. પરતુ ભારત સાથે તેના સંબંધો એવા રહ્યા કે તેનાં ચલણનું નામ 'રૂફિયા' છે. જે રૂપિયા જેવું લાગે છે.)