ભારત ચાંદ પર પહોંચી ગયુ અને આપણે....નવાઝ શરીફે ચૂંટણી પ્રચારમાં ફરી ભારતના વખાણ કર્યા
image : Twitter
ઈસ્લામાબાદ,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં જો નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા તો ભારત સાથે પાકિસ્તાનના સબંધો સુધરી શકે છે તેમ લાગી રહ્યુ છે.
નવાઝ શરીફ ચૂંટણી પ્રચારમાં ભારતની પ્રશંસા કરતા એક પછી એક નિવેદનો આપી રહ્યા છે. બુધવારે ફરી એક વખત પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરતી વખતે તેમણે ભારતના વખાણ કરતા કહ્યુ હતુ કે, ભારત ચંદ્ર પર પહોંચી ગયુ છે અને પાકિસ્તાન હજી જમીન પરથી ઉઠી શક્યુ નથી. પાકિસ્તાનમાં બદલાવની જરૂર છે.
મંગળવારે પણ શરીફે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની આજે જે પ્રકારની હાલત છે તે માટે ભારતને દોષ આપવાની જરૂર નથી. પાકિસ્તાનના શાસકોએ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે.
નવાઝ શરીફ આ વખતે પાકિસ્તાનની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતની બેઠક પરથી ચૂંટણી લડવાના છે. શરીફે પોતાની પાર્ટી માટે પાકિસ્તાનમાં જોશભેર ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને તેમાં તેઓ વારંવાર ભારતની પ્રશંસા કરતા નિવેદનો આપી રહ્યા છે. જે જોતા લાગી રહ્યુ છે કે, જો શરીફ ચૂંટણી જીત્યા તો તેઓ ભારત સાથે સબંધો સુધારવા માટે પહેલ કરી શકે છે.