ભારતનો UNSCમાં G4 દેશો તરફથી પ્રસ્તાવ રજૂ, સુધારાથી લઈને વીટો પાવર સુધીની ભલામણ

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પ્રસ્તાવ રજૂ કર્યો

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ભારતનો UNSCમાં G4 દેશો તરફથી પ્રસ્તાવ રજૂ, સુધારાથી લઈને વીટો પાવર સુધીની ભલામણ 1 - image


UNSC : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં G4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે (Ruchira Kamboj) 'ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રુચિરા કંબોજે ભારત તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો 

આ કાર્યક્રમમાં રુચિરા કંબોજે G4 દેશો બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા વર્તમાન 15થી વધારીને 25-26 કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત છ કાયમી સભ્યો અને ચાર-પાંચ હંગામી સભ્યોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. સાથે ભારતે 'છ નવા સ્થાયી સભ્યોમાંથી બે આફ્રિકન રાજ્યો અને એશિયા પેસિફિકના દેશો દ્વારા, એક લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન દેશો દ્વારા અને એક પશ્ચિમ યુરોપિયન દેશો અને અન્ય દેશો દ્વારા પ્રસ્તાવિત થવા જોઈએ' તેવું કહ્યું છે.

વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે તાત્કાલિક સુધારાની જરૂર : કંબોજ

આ સિવાય રુચિરા કંબોજે એમ પણ કહ્યું છે કે સુરક્ષા પરિષદની વર્તમાન વ્યવસ્થામાં કાયમી અને અસ્થાયી એમ બંને વર્ગોમાં પ્રતિનિધિત્વનો અભાવ છે. આ કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલું અસરકારક નથી અને વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે આમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. કંબોજે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિનિધિત્વના અભાવને અવગણીને કોઈ સુધારો શક્ય નથી અને ખાસ કરીને સ્થાયી કેટેગરીમાં ભારે અસંતુલન છે અને તેના કારણે સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. 

ભારતના સમાવેશને ફ્રાન્સ અને અમેરિકાનું સમર્થન

નોંધનીય છે કે ભારત દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં વીટો અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સ્થાયી સભ્યો પાસે પણ વર્તમાન સભ્યોની જેમ જ જવાબદારીઓ અને અધિકારો હશે, પરંતુ તેઓ કોઈપણ મુદ્દા પર સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ જ વીટોનો નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલમાં માત્ર પાંચ દેશો પાસે જ વિટો પાવર છે જેમાં ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. અન્ય બે સભ્યો હંગામી હોય છે, જે બે વર્ષ માટે ચૂંટાયેલા હોય છે અને તેમની પાસે વીટો પાવર ન હોય. જો કે સુરક્ષા પરિષદમાં ભારતના સમાવેશને ફ્રાન્સ અને અમેરિકાએ સમર્થન આપ્યું છે.

ભારતનો UNSCમાં G4 દેશો તરફથી પ્રસ્તાવ રજૂ, સુધારાથી લઈને વીટો પાવર સુધીની ભલામણ 2 - image


Google NewsGoogle News