Get The App

ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા મહત્ત્વપૂર્ણ, હજુ 75 વર્ષ બરબાદ ન કરે, નવાઝ શરીફનું મોટું નિવેદન

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા મહત્ત્વપૂર્ણ, હજુ 75 વર્ષ બરબાદ ન કરે, નવાઝ શરીફનું મોટું નિવેદન 1 - image


Nawaz Sharif on India-Pakistan Relation | ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર એસસીઓની બેઠક માટે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમની આ મુલાકાતને 'સારી શરૂઆત' ગણાવતા પૂર્વ પીએમ નવાઝ શરીફે કહ્યું કે, ભારત અને પાકિસ્તાને ભૂતકાળ પાછળ છોડીને એનર્જી, ક્લાઈમેટ ચેન્જ જેવી ભાવી સમસ્યાઓના ઉકેલ માટે સાથે કામ કરવું જોઈએ. બંને દેશોએ મિત્રતા માટે વધુ 75 વર્ષ બરબાદ કરવા જોઈએ નહીં. જોકે, નવાઝ શરીફની મિત્રતાની વાતો વચ્ચે બીએસએફે પંજાબમાં પાકિસ્તાનથી ડ્રોન મારફત આવેલા આરડીએક્સ અને આઈઈડી બોમ્બ પકડયા હતા. બીજીબાજુ સુરક્ષા દળોએ પૂંચ અને રાજૌરીમાં સર્ચ ઓપરેશન કર્યું છે.

ભારતના વિદેશ મંત્રી જયશંકરના પાકિસ્તાન પ્રવાસ પછી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે, ભારત અને પાકિસ્તાને ભૂતકાળને પાછળ છોડીને હવે ભવિષ્યની સમસ્યાઓના ઉકેલ માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે જ્યાંથી સંબંધોનો અંત આણ્યો હતો ત્યાંથી નવેસરથી શરૂઆત કરવી જોઈએ. છેલ્લા 75 વર્ષ આમ જ પસાર થઈ ગયા, હવે 75 વર્ષ બરબાદ કરવા જોઈએ નહીં. 

નવાઝ શરીફે અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભૂતકાળમાં એવું ઘણું થયું છે, જે થવું જોઈતું નહોતું. પરંતુ ભવિષ્યમાં અનેક સંભાવનાઓ છે. એક સમયે ભારતમાં વીજળીની અછત હતી ત્યારે તત્કાલીન પીએમ વાજપેયીએ પાકિસ્તાનમાંથી વીજળી ખરીદવા મને બોલાવ્યો હતો.

પીએમ મોદીનો ઉલ્લેખ કરતાં નવાઝ શરીફે કહ્યું કે, પીએમ મોદી અમને મળવા માટે રાવલપિંડી આવ્યા હતા, જે એક સુખદ આશ્ચર્ય હતું. તેમણે મારી માતા સાથે પણ ઘણા સમય સુધી વાતચીત કરી હતી. આ કોઈ નાની-મોટી વાત નહોતી. તેમણે ઉમેર્યું કે, મારા પિતાના પાસપોર્ટમાં તેમનું જન્મસ્થળ અમૃતસર (પંજાબ) લખ્યું છે. ભારત અને પાકિસ્તાનની સંસ્કૃતિ, પરંપરા, ભાષા, ભોજન એક સમાન છે. મને એ વાતનો આનંદ છે કે બંને દેશના નેતાઓ વચ્ચે ભલે સારા સંબંધો ના હોય, પરંતુ લોકો વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.

જોકે, નવાઝ શરીફની મિત્રતાની વાતો વચ્ચે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ પંજાબના ફાજિલ્કા જિલ્લાના અબોહરમાં પાકિસ્તાનમાંથી ડ્રોન મારફત મોકલવામાં આવેલા આરડીએક્સ અને આઈઈડી બોમ્બ જપ્ત કર્યા હતા. આ બોમ્બ રેડી ટુ યુઝ હતા. આ બોમ્બ મારફત પાકિસ્તાન કોઈ મોટા આતંકી હુમલા માટે તૈયારી કરી રહ્યું હતું, પરંતુ આ બોમ્બ ડિલિવર થાય તે પહેલાં જ બીએસએફે તેને જપ્ત કરી લીધા.

દરમિયાન જમ્મુ-કાશ્મીરના સરહદીય જિલ્લાઓ પૂંચ અને રાજૌરીમાં આતંકીઓનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસ અને આર્મીએ વિવિધ સ્થળો પર સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂંચ અને રાજૌરી જિલ્લાઓના જંગલોમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા ડ્રોન, સ્નિફર ડોગ્સ અને હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.


Google NewsGoogle News