'ઇન્ડિયા આઉટ કેમ્પેઇન' કયારેય ચલાવ્યું નથી, માલદિવના મોઇજુના બદલાયા સૂર
માલદિવના રાષ્ટ્રપતિએ એનના ૭૯માં સત્રને સંબોધ્યું હતું
ન્યૂયોર્કમાં સંવાદદાતાઓને જવાબ આપતા મોઇજુએ સ્પષ્ટતા કરી
ન્યૂયોર્ક,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર
હિંદમહાસાગરનું મોતી ગણાતા અતિ સુંદર ટાપુઓના બનેલા માલદિવ દેશ સાથે ભારતના રાજકિય સંબંધો છેલ્લા કેટલાક સમયથી ખરાબ થયા હતા. ગત વર્ષ માલદિવમાં ચુંટણી યોજાઇ જેમાં ચીન સમર્થક ગણાતા મોહમ્મદ મોઇજુએ સત્તા સંભાળી હતી. ચુંટણી પ્રચાર દરમિયાન ભારત વિરોધી પ્રચાર કરીને લોકો પાસે મત માંગવામાં આવ્યા હતા. ભારતના માલદિવ પર અનેક ઉપકારો છે તે ભૂલીને મોઇજુના સમર્થકોએ ઇન્ડિયા આઉટ કેમ્પેઇન ચલાવ્યું હોવાનો વિવાદ થયો હતો.
ભારતના કેટલાક સૈનિકો માલદિવ માટે ડયૂટી કરી રહયા હતા તેમને વિદેશી સૈનિકો ગણાવીને પાછા મોકલવાની પણ વાત કરવામાં આવી હતી. ચીન તરફ ઝુકાવ ધરાવતા માલદિવના રાષ્ટ્રપતિએ સંયુકત રાષ્ટ્ર મહાસભા (યુએન)ના ૭૯માં સત્રને સંબોધ્યું હતું, ન્યૂયોર્કમાં પ્રેસ સાથેની વાર્તામાં સંવાદદાતાઓને જવાબ આપતા સ્પષ્ટતા કરી હતી કે અમે કયારેય ભારતને બહાર કરો ઇન્ડિયા આઉટે કેમ્પેઇન ચલાવ્યું નથી. તેમને વધુમાં કહયું હતું કે ભારતના વડાપ્રધાનની અપમાનજનક ટીપ્પણી કરનારા મંત્રીઓ વિરુધ કાર્યવાહી કરી હતી. રાજકિય નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ડિયા આઉટ કેમ્પેઇન ચલાવીને ચીનને ખૂશ રાખનારા મોઇજુના સૂર હવે બદલાવા લાગ્યા છે.