સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ મળવું જ જોઇએ : મેક્રો
- જ્યારે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડોની ઉપેક્ષા થાય છે ત્યારે આપણે સમગ્ર વિશ્વ માટે બોલીયે છીએ તેમ કહી કેમ શકીયે ? મોદી
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને સંબોધન કરતાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ સં.રા.ની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્ય પદ આપવાની જોરદાર રજૂઆત કરી હતી. આ સાથે તેઓએ બ્રાઝિલ, જાપાન, જર્મની અને આફ્રિકાના પણ બે દેશો જેને આફ્રિકન યુનિયન પસંદ કરે તેને પણ કાયમી સભ્યપદ આપવાની રજૂઆત કરી હતી.
તેઓએ કહ્યું : આપણે સંયુક્ત રાષ્ટ્રોને વધુ કાર્યદક્ષ બનાવીએ તે માટે તેને વધુ પ્રતિનિધિત્વ સાથેનું બનાવવાની જરૂર છે, તેથી જ ફ્રાંસ સલામતિ સમિતિને વિસ્તારવા કહે છે. જર્મની, જાપાન, ભારત અને બ્રાઝિલ તથા આફ્રિકન યુનિયન જેમને પસંદ કરે તેવા બે દેશોને પણ કાયમી સભ્યપદ તે સમિતિમાં મળવું જોઇએ.
અત્યારે માત્ર પાંચ જ દેશો અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ અને ફ્રાંસ તથા ચાયના સલામતી સમિતિમાં કાયમી સભ્યપદે છે. ૧૫ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની આ સમિતિમાં બીજા ૧૦ દેશો બે વર્ષ માટે ચૂંટાઈ આવે છે. અમેરિકા અને ફ્રાંસ ભારતને કાયમી સભ્યપદ આપવા તરફેણ કરે છે. પરંતુ સામ્યવાદી ચીન તેનો વિરોધ કરે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પૂર્વે પણ સલામતી સમિતિનાં વિસ્તરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જ્યારે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડોની ઉપેક્ષા કરાય છે ત્યારે આપણે કહી કેમ શકીએ કે આપણે સમગ્ર વિશ્વ માટે બોલીયે છીએ.
ગતવર્ષે જ ભારતના વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને કરેલાં સંબોધનમાં આ પ્રમાણે કહ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું હતું કે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, અને દુનિયાની સૌથી મોટી લોકશાહી (ભારત) જ્યારે કાયમી સભ્દ પદે ન હોય ત્યારે આપણે તેવો દાવો કરી કેમ શકીયે કે આપણે સમગ્ર વિશ્વ માટે બોલીયે છીએ.
અં.રા.ની સલામત સમિતિમાં દર બે વર્ષ માટે ચૂંટાતાં ૧૦ દેશો વીટો પાવર ધરાવતા નથી. મોદીએ કહ્યું કાં તો દરેકને વીટો પાવર હોવો જોઇએ અથવા કોઇને ન હોવો જોઇએ.