ભારતમાં થશે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત! રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયર મુદ્દે થશે વાત: રિપોર્ટ
Russia-Ukraine ceasefire: રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ મામલે તેઓ રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિનને વહેલી તકે મળવા માંગે છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને પણ આ બેઠક માટે ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ, સવાલ એ થાય છે કે આ ઐતિહાસિક સભા ક્યાં થશે?
ભારત હશે વિકલ્પ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ક્રેમલિન એવા દેશોની યાદી તૈયાર કરી રહ્યું છે જ્યાં આ બેઠક યોજાઈ શકે છે. આ દરમિયાન ભારતનું નામ સૌથી યોગ્ય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ક્રેમલિન સાથે જોડાયેલા ઘણાં લોકોનું માનવું છે કે, આ બેઠક ભારતની ધરતી પર સફળ થઈ શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે નિષ્પક્ષ અને સ્વતંત્ર વલણ અપનાવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ છે. આ સાથે 2025માં રાષ્ટ્ર પ્રમુખ પુતિનની ભારત મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના કાર્યકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે.
ભારત ક્વાડનું સભ્ય છે અને ભારત 2025માં QUAD કોન્ફરન્સની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. જેમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ આવવાના છે. આ વર્ષે રશિયા અને અમેરિકા બંનેના રાષ્ટ્ર પ્રમુખ ભારતની મુલાકાતે આવશે. આ સિવાય ભારતની સ્થિતિ અને રાજદ્વારી ભૂમિકા તેને એક આદર્શ પ્લેટફોર્મ બનાવે છે જ્યાં શાંતિની આશા જાગી શકે છે.
સ્લોવાકિયા પણ રેસમાં સામેલ
23મી ડિસેમ્બરે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ રશિયાની મુલાકાત વખતે રાષ્ટ્ર પ્રમુખ પુતિનને પોતાના દેશમાં મળવા આમંત્રણ આપ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજહબ, રશિયા એક મિત્ર દેશની શોધમાં છે જ્યાં આ બેઠકની સુવિધા મળી શકે.
આ પણ વાંચોઃ વિયેતનામ-ફિલિપાઈન્સ બાદ મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઇલનો જથ્થો
યુરોપ કેમ નહીં?
અમેરિકન અને રશિયન પ્રમુખો ઘણીવાર યુરોપમાં મળ્યા છે. 2021માં, રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેન અને પુતિન જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં મળ્યા હતા. પરંતુ વર્તમાન સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપના કેટલાંક દેશોમાં જવાનું ટાળી રહ્યા છે.
શું ભારત શાંતિનું પ્લેટફોર્મ બનશે?
જો આ બેઠક ભારતમાં થાય છે, તો તે ન માત્ર રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મોટું પગલું હશે, પરંતુ તે ભારતની રાજદ્વારી વિશ્વસનીયતાને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે. જોકે, આ બેઠક ક્યાં થાય છે તેની સ્પષ્ટ માહિતી તમામ દેશોની સત્તાવાર જાહેરાત બાદ જ મળી શકશે.