માલદીવને ભારત સામેની દુશ્મની ભારે પડી: હવે આ કારણોસર શ્રીલંકા સામે ફેલાવી રહ્યું છે હાથ
નવી દિલ્હી,તા.1 ફેબ્રુઆરી 2024,ગુરુવાર
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ચીન સાથે મિત્રતા માટે ભારત સાથે દુશ્મની કરી લીધી છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે ભારત વિરુદ્ધ ઘણા નિર્ણયો પણ લીધા છે. આ દરમિયાન, માલદીવની ચીન તરફી સરકારે તબીબી સેવાઓમાં શ્રીલંકા પાસેથી મદદ માંગી છે.જોવા જઇએ તો શ્રીલંકા પોતે ગંભીર રોગોની સારવાર માટે ભારત પર નિર્ભર છે.
માલદીવે કહ્યું કે, શ્રીલંકાએ તેના દેશના દર્દીઓને એર એમ્બ્યુલન્સ દ્વારા કોલંબોમાં સારવાર કરવાની મંજૂરી આપવી જોઈએ. માલદીવના પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી મોહમ્મદ અમીન પણ આ મુદ્દે મંગળવારે કોલંબોમાં તેમના શ્રીલંકાના સમકક્ષ નિમલ સિરીપાલા ડી સિલ્વાને મળ્યા હતા.
બેઠક બાદ માલદીવના મંત્રીએ શું કહ્યું?
મીટિંગ પછી, મોહમ્મદ અમીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, શ્રીલંકા માલદીવને તબીબી નિકાસમાં મદદ કરવા માટે સંમત થઈ ગયું છે. "અમે માલદીવ્સ અને શ્રીલંકા વચ્ચે, ખાસ કરીને મેડ-ઇવેક ફ્લાઇટ્સ પર, તાત્કાલિક જરૂરિયાતો માટે તાત્કાલિક મંજૂરી પ્રક્રિયા માટે એક માળખું બનાવવા માટે સંમત થયા છીએ,"
માલદીવ શા માટે શ્રીલંકાને વિનંતી કરી રહ્યું છે?
માલદીવે શ્રીલંકામાં પોતાના લોકોની સારવાર કરવાનો નિર્ણય ભારતના વિરોધમાં લીધો છે. પરંતુ, મુઇજ્જુ સરકાર દાવો કરે છે કે, તે અન્ય દેશો સાથે ભાગીદારીને વિસ્તૃત કરવા અને વિવિધતા લાવવા માટે આ કરાર કરી રહી છે.
મોહમ્મદ મુઈજ્જુએ ડિસેમ્બરમાં માર્ચ 2024થી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી માલદીવના દર્દીઓને થાઈલેન્ડ જવા માટે મદદ મળી શકે છે. માલદીવમાં ઝડપી તબીબી સ્થળાંતરની જરૂરિયાત જાન્યુઆરીની શરૂઆતમાં અનુભવાઈ હતી જ્યારે સારવારના અભાવે એક બાળકનું મૃત્યુ થયું હતું.