'ભારતના લોકો અમને માફ કરે...' બહિષ્કાર બાદ માલદીવ ઘૂંટણીએ, પૂર્વ રાષ્ટ્રપતિએ માગી માફી
ભારતના લોકો તરફથી બહિષ્કાર કરાયા બાદ માલદીવની હાલત દયનીય બની ગઈ છે
India and Maldives news | ભારતના લોકો તરફથી બહિષ્કાર કરાયા બાદ માલદીવની હાલત દયનીય બની ગઈ છે. જેના લીધે હવે તેને ભાન થવા લાગ્યું છે કે તેનાથી મોટી ભૂલ થઇ ચૂકી છે. ખરેખર માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના ભારત દ્વારા બહિષ્કારના એલાનની અસર પર ચિંતા વ્યક્ત કરી છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ ભારતીયોની માફી માંગી
ભારતની મુલાકાતે આવેલા નશીદે માલદીવના લોકો વતી માફી માંગી અને ભારતીય પ્રવાસીઓ દેશની મુલાકાત ચાલુ રાખે તેવી ઈચ્છા પર તેમણે ભાર મૂક્યો હતો. માલદીવ પર બહિષ્કારની અસરનું વર્ણન કરતાં નશીદે કહ્યું, તેનાથી માલદીવ પર માઠી અસર થઇ છે અને હું ખરેખર અહીં ભારતમાં આ મુદ્દાને લઈને ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે માલદીવના લોકો તેના માટે દિલગીર છે. અમને અફસોસ છે કે આવું થયું. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓ પર માલદીવ આવે અને અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર ન થાય.
વિવાદનો અંત લાવવા કરી અપીલ
પૂર્વ રાષ્ટ્રપતિએ ઘટના માટે જવાબદારો સામે પગલાં ભરવા માટે વર્તમાન રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા ત્વરિત પગલાંની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ બાબતોનો ઉકેલ લાવવો જોઈએ અને આપણે ઘણા ફેરફારો કરવા જોઈએ અને સામાન્ય સંબંધો તરફ પાછા ફરવું જોઈએ. અગાઉના પડકારો દરમિયાન ભારતના જવાબદાર અભિગમને રેખાંકિત કરતા નશીદે કહ્યું હતું કે જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઇચ્છતા હતા કે ભારતીય સૈન્ય કર્મચારીઓ ત્યાંથી જાય, ત્યારે તમે જાણો છો કે ભારતે શું કર્યું? ત્યારે તેણે હાથ પાછા ન ખેંચ્યા. તેણે તાકાત પણ ન બતાવી પરંતુ માલદીવની સરકારને ફક્ત એટલું જ કહ્યું, 'ઠીક છે, ચાલો તેના પર ચર્ચા કરીએ.'