ભારતને ધમકાવવા માટે મુઈજ્જૂએ ઘાતક ડ્રોનનો આપ્યો ઑર્ડર, જાણો કયા દેશ સાથે કરી ડીલ
India Maldives Row : ભારતીય સેનાને હટાવવાના આદેશ બાદ હવે માલદીવ્સની મોહમ્મદ મુઈજ્જૂ સરકાર એક બાદ એક ભારત વિરોધી દેશ સાથે સંબંધો મજબૂત કરવામાં લાગી છે. ચીનની સાથે કેટલાક કરાર કર્યા બાદ મુઈજ્જૂ સરકાર હવે તુર્કી સાથે ઘાતક ડ્રોનની ખરીદીના કરાર કરી રહી છે. મુઈજ્જૂ સરકારે તુર્કીની કંપની બાયકર સાથે 3 કરોડ 70 લાખ ડૉલરના એક કરાર પર સાઈન કરી છે. બાયકર તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનના જમાઈની કંપની છે.
માલદીવ્સમાં પદ સંભાળ્યા બાદ મુઈજ્જુ સૌથી પહેલા તુર્કી ગયા હતા. તુર્કીના આ ડ્રોન આર્મીનિયાથી લઈને યૂક્રેન યુદ્ધમાં તબાહી મચાવી ચૂક્યા છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ આ કિલર ડ્રોનનો ઉપયોગ કરે છે.
માલદીવ્સની મુઈજ્જૂ સરકારનું કહેવું છે કે, તેઓ પોતાના વિશાળ દરિયાઈ વિસ્તારની દેખરેખ માટે આ મિલિટ્રી ડ્રોનની ખરીદી કરી રહ્યું છે. માલદીવ્સના મીડિયા રિપોર્ટ અનુસાર, મુઈજ્જૂ સરકારે આ ડ્રોન ડીલ માટે પૈસા પણ જાહેર કરી દીધા છે. આ પહેલા ભારતે માલદીવ્સને પોતાના દરિયા કિનારા માટે ડોર્નિયર વિમાન અને હેલિકોપ્ટર આપ્યું હતું. ભારતીય સેના ટેક્નિકલ દળ દ્વારા આ વિમાનોનું રિપેરિંગ કરાતું હતું. આ ભારતીય સૈનિકોને માલદીવ્સના રાષ્ટ્રપતિએ 15 માર્ચ સુધીમાં દેશ છોડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ અછત પૂર્ણ કરવા માટે મુઈજ્જૂ સરકારે તુર્કી સાથે કરાર કર્યા અને સૈન્ય ડ્રોનના ઓર્ડર આપી રહી છે.