રવાંડા નરસંહારમાં માર્યા ગયેલા 8 લાખ લોકોને ભારતે આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ
Qutub minar painted in the colors of Rwanda: રવાંડામાં 1994માં એટલે કે 30 વર્ષ પહેલા તુત્સી સમુદાયના આઠ લાખથી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની યાદમાં, યુનાઇટેડ નેશનએ 7 એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શન જાહેર કર્યો હતો. જેના કારણે ભારતએ પણ કુતુબ મિનારને રોશન કરીને રવાંડા સાથે પોતાની એકતા દર્શાવી હતી. જેમાં 7 એપ્રિલની રાતે દિલ્હીના કુતુબ મિનારને રવાંડાના રાષ્ટ્રધ્વજથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ દિવસની યાદમાં આ પૂર્વ આફ્રિકન દેશ 30મો રિમેમ્બરન્સ ડે ઉજવી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કર્યું ટ્વીટ
રવાંડાની રાજધાની કિગાલીમાં નરસંહારના 30માં સ્મરણોત્સવમાં ભારત તરફથી વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ દમ્મુ રવિએ ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, "રવાંડાના લોકો સાથે એકતામાં, ભારતે આજે (7 એપ્રિલના રોજ) કુતુબ મિનારને પ્રકાશિત કર્યો હતો, જે રવાંડામાં તુત્સી વિરુદ્ધ 1994ના નરસંહારના યુનાઇટેડ નેશનના ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શનને ચિહ્નિત કરે છે."
1994માં શું ઘટના ઘટી હતી?
6 એપ્રિલ 1994ની રાત્રે રવાંડામાં રાષ્ટ્રપતિ જુવેનલ હબ્યારીમાનાની હત્યા કરવામાં આવી હતી. તેમના વિમાનને સશસ્ત્ર હુતુ અને ઇંટરહામવે નામના લશ્કરી જૂથ દ્વારા હવામાં ઠાર કરવામાં આવ્યું હતું. આ પછી રાજધાનીમાં 7 એપ્રિલથી હત્યાઓનો સિલસિલો શરૂ થયો અને 100 દિવસ સુધી તુત્સી સમુદાયના લોકોની હત્યા કરવામાં આવી, જેમાં હુતુ સમુદાયના લોકો પણ સામેલ હતા. જુલાઈ 1994માં રવાન્ડન પેટ્રિયોટિક ફ્રન્ટ (RPF)ના બળવાખોર લશ્કર દ્વારા રાજધાની કિગાલી પર કબજો કર્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.
એવું કહેવાય છે કે ટીવી અને રેડિયો પર તુત્સી સમુદાય વિરુદ્ધ નકલી અને ભડકાઉ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. . તુત્સી વિરુદ્ધ ચારેબાજુ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમજ આ સમય દરમિયાન તુત્સી સમુદાયના લોકોને ખુલ્લેઆમ ગોળી મારી દેવામાં આવી હતી અને શેરીઓમાં ખુલ્લેઆમ માર મારવામાં આવ્યો હતો. યુએનના આંકડા અનુસાર, ઓછામાં ઓછી 2,50,000 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. જો કે, ત્યારથી દેશમાં આરપીએફનું શાસન છે, જેનું નેતૃત્વ પ્રમુખ પોલ કાગામે કરે છે.
ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શન શું છે?
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ રવાંડામાં નરસંહારની યાદમાં 7 એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શન ઉજવવાનો ઠરાવ અપનાવ્યો હતો. આ ઠરાવ હેઠળ, તમામ સભ્ય દેશો, યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલા સંગઠનો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો આ દિવસે પીડિતોને યાદ કરે છે. રવાંડા અને અન્ય દેશોમાં સામાજિક સંસ્થાઓ પણ 7 એપ્રિલના રોજ નરસંહારના પીડિતોની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે.
ભારતીય કંપનીઓનું રવાંડાના વિકાસમાં યોગદાન
કુતુબ મિનાર રવિવારની રાત્રે 8 વાગ્યાથી 8.45 વાગ્યા સુધી રવાંડાના રાષ્ટ્રધ્વજના રંગો જોવા મળ્યો હતો. નરસંહારની વર્ષગાંઠ નિમિત્તે, ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે રવાંડાના ભારતમાં હાઈ કમિશનર મુકાંગિરા જેક્લીન ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને આફ્રિકન દેશ રવાંડા વચ્ચેના સંબંધો ખૂબ ગાઢ બની ગયા છે. સાડા ત્રણ હજારથી વધુ ભારતીયો અને ઘણી ભારતીય કંપનીઓ રવાંડાના વિકાસમાં યોગદાન આપી રહી છે.
શાંતિ, સહિષ્ણુતા અને એકતાની ઉજવણી કરવાનો સંદેશ
રવાંડામાં તુત્સી સમુદાય સામે 1994ના નરસંહારની યાદમાં ભારત સરકારે કુતુબ મિનારને રવાંડાના ધ્વજના રંગોમાં પ્રકાશિત કર્યો હતો. જે સમગ્ર વિશ્વએ નરસંહાર અને ગંભીર માનવાધિકાર ભંગ સામેની લડાઈમાં એક થવું જોઈએ અને લોકોમાં શાંતિ, સહિષ્ણુતા અને એકતાની સંસ્કૃતિની ઉજવણી કરવાનો સંદેશ પણ આપે છે.