Get The App

ચીનની પ્રસારણ નીતિને નાથવા ભારત શ્રીલંકા સાથેના સંબંધો સુદ્રઢ કરી રહ્યું છે

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ચીનની પ્રસારણ નીતિને નાથવા ભારત શ્રીલંકા સાથેના સંબંધો સુદ્રઢ કરી રહ્યું છે 1 - image


- પાડોશી પહેલો તે નીતિને બાંગ્લાદેશમાં ફટકો પડયો તે પછી ભારત સજાગ બન્યું છે : શ્રીલંકાને હાથમાં લેવા માગે છે

નવી દિલ્હી : ભારતે શ્રીલંકાના પ્રમુખ સીનુરા કુમાર દિશાનાયકેને ભારત આવવા આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશ સાથેના સંબંધો બગડયા પછી અને તેથી ભારતની પાડોશી પહેલો તે નીતિને ફટકો પડયા પછી ભારત અત્યંત સજાગ બની ગયું છે. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને પદભ્રષ્ટ કરાયા તે પછી તેઓએ ભારતમાં રાજ્યાશ્રય લીધો છે. તેઓ દિલ્હીમાંથી બાંગ્લાદેશની સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે.

શ્રીલંકામાં પ્રેમભર્યા નામે એડીકે તરીકે વિખ્યાત થઈ ગયેલા આ સામ્યવાદી નેતાને ભારત આવવા આમંત્રણ અપાયું છે. તેઓ ભારતની તેઓની મુલાકાત સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરશે અને દ્વિપક્ષીય કરારો ઉપર હસ્તાક્ષરો કરશે. પરંતુ તે પૂર્વે તેઓ રોકાણકારો સાથે મીટીંગ યોજશે.

પ્રમુખ દિશા નાયકે તેઓની આ મુલાકાત દરમિયાન ભારત તરફથી મળનારી આર્થિક સહાય વિષે પણ ચર્ચા કરશે. ભારત સંરક્ષણ બાબતે ઘણુ જ ચિંતિત છે. તેમજ શ્રીલંકામાં રહેલી તમિલ લઘુમતિ અંગે પણ સચિંત છે.

દિશા નાયક સપ્ટેમ્બરના ૨૩ના દિને આ ટાપુ રાષ્ટ્રના પ્રમુખ પદે ચૂંટાયા પછી ઓકટો. ૪ ના દિવસે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. દિશાનાયકે પ્રમુખપદે ચૂંટાયા પછી તેઓને રૂબરૂમાં અભિનંદનો આપનારા જયશંકર સૌથી પહેલા વિદેશી મહાનુભાવ હતા. તે સમયે દિશાનાયકેએ જયશંકરને ખાતરી આપી હતી કે ભારત વિરૂધ્ધ શ્રીલંકાની ભૂમિનો ઉપયોગ નહીં જ કરવા દેવાય. આ તેઓએ શ્રીલંકાને ચીનને લીઝ ઉપર આપવા પડેલા હંબનટોટા બંદરના સંદર્ભમાં કહ્યું હતું.

આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં શ્રીલંકા જયારે ભારે આર્થિક ભીંસમાં હતું ત્યારે ભારતે ૪ મિલિયન ડોલરની લોન આપી હતી અને કોઈ પૂર્વ શર્ત વિના. આ પછી શ્રીલંકાને આઈએમએફ પાસેથી લોન લેવી હતી. પરંતુ પૂર્વે લીધેલી લોનના હપ્તા બાકી હતા ત્યારે તે હપ્તા ચૂકવવા ભારતે ફરી વધુ લોન આપી તેથી તો આઈ.એમ.એફ.ની તેને લોન મળી શકી. જે આઈએમએફ દ્વારા એકસ્ટેન્ડેડ ફંડ ફેસીલીટી પ્રોગ્રામ નીચે આપી હતી.

આથી આંતરરાષ્ટ્રીય સંબંધોના તજજ્ઞાો કહે છે કે, હવે બંને દેશોએ સહકારથી કામ કરવું જરૂરી છે.

ભારત અને શ્રીલંકા, શ્રીલંકાના સંવિધાનમાં કરાયેલા ૧૩મા સુધારા અંગે મતભેદ છે. તે સુધારા પ્રમાણે ૧૯૮૭ના પ્રોવિન્શ્યલ કાઉન્સિલ એક્ટ ૪૨ પ્રમાણે પ્રાંતોને આર્થિક સ્વાયત્તતા આપવાની અને પ્રાંતીય સરકારોના હાથમાં પોલીસ-વ્યવસ્થા ગોઠવવાની જોગવાઈ છે તે સુધારાનો અમલ કરવા દિશાનાયકે તૈયાર નથી, કારણ કે તેથી તમિલ બહુમતીવાળા પ્રાંતો લગભગ સ્વતંત્ર જ થઈ જાય. આ ઉપરાંત હંબરટોટા ઉપરના ચીનના કહેવાતા સંશોધન જહાજ વિષે પણ ભારત સચિંત છે. કારણ કે તે સંશોધન (રીસર્ચ)નાં નામે ભારત પર તેના સેટેલાઇટસ ઉપર પણ જાસૂસી કરે છે. આવા કેટલાક મુદ્દાઓનો વિવાદ તેમજ ચીને તૈયાર કરેલી તેની મોતી-માળા નામે વિવિધ દેશોને સાંકળતી વ્યવસ્થા ભારતને પસંદ નથી. તે નામે તે ભારતને ઘેરવા માગે છે. શ્રીલંકા તેમાં એક મણકો જાણે અજાણે બની ગયું છે. તેણે ચીનને લીઝ પર આપેલું હબન ટોટા બંદર તે તેની મોતીની માળાનો મણકો બનાવી રહ્યું છે.

એમ મનાય છે કે, વ્યાપારીઓ સાથેની મીટીંગ પછી દિશાનાયકેનું વલણ બદલાઈ શકે કારણ કે તેને ભારતીય રોકાણકારોની જરૂર છે.


Google NewsGoogle News