નેપાળની નવી કરન્સી નોટથી ભારત ભડક્યું, આ કારસ્તાન પાછળ પણ ચીનની મેલી મુરાદ હોવાની શંકા
Source - PTI |
Nepal Currency Note : પાડોશી દેશો સાથે હંમેશા સારો વ્યવહાર રાખનારા ભારતને છેલ્લા થોડા વર્ષોથી પાડોશીઓ સાથે સારાસારી નથી રહી. પાકિસ્તાન સાથે તો બાપે માર્યા વેર જેવી સ્થિતિ હતી જ, સમયાંતરે એક યા બીજા કારણસર ચીન, શ્રીલંકા, માલદિવ્ઝ અને બાંગ્લાદેશ સાથે પણ સંબંધો બગડ્યા. લિસ્ટમાં લેટેસ્ટ નામ ઉમેરાયું છે નેપાળનું. તમામ સંબંધ બગડવામાં મોટેભાગે પડોશી દેશોની આડોડાઈ જ કારણભૂત બની છે. નેપાળ સાથે પણ એમ જ બન્યું છે. ટચુકડા દેશે કંઈક એવું કર્યું છે, જેને કારણે ભારત નારાજ થયું છે.
શું છે મુદ્દો?
તાજેતરમાં નેપાળની સરકારે 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી છે, જેમાં ઉત્તરાખંડના અમુક વિસ્તારને નેપાળના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે. વિસ્તાર અંદાજે 370 ચોરસ કિલોમીટરનો છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ત્રણ ભાગ લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને નેપાળે પોતાના દેશમાં ગણાવી લીધા છે.
સરકાર બદલાઈ, પણ નીતિ નહીં
નેપાળમાં નવી નોટ બહાર પાડવાનો નિર્ણય મે, 2024માં પુષ્પ કમલ દહલની સરકાર હતી ત્યારે લેવામાં આવ્યો હતો. નેપાળમાં ‘સેન્ટ્રલ બેંક ઓફ કાઠમંડુ’ પાસે નોટની ડિઝાઈન બદલવાનો અધિકાર છે, પરંતુ એ માટે તેણે સરકારની મંજૂરી લેવી પડે. ત્યાં જુલાઈ, 2024માં સરકાર બદલાઈ હતી અને કે.પી. શર્મા ઓલી નવા વડાપ્રધાન બન્યા હતા. તેમ છતાં જૂની સરકારમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબની નોટ જ છાપી દેવામાં આવી. એનો અર્થ એ કે નવી સરકારને પણ ભારત સાથે સંબંધ બગડવાની દરકાર નથી. પ્રશ્ન છે- શા માટે નથી?
અગાઉ પણ આડોડાઈ કરી ચૂક્યું છે નેપાળ
અગાઉ કોવિડકાળ દરમિયાન, વર્ષ 2020માં નેપાળે એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. ત્યારે એમાં તેણે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાના દેશમાં દર્શાવ્યા હતા. ત્યારે પણ ભારતે તેનો સખત વિરોધ કર્યો હતો.
સરહદ વિવાદ વર્ષો જૂનો છે, આવી છે ભૂગોળ
નેપાળ અને ભારત વચ્ચેનો સીમા વિવાદ સો વર્ષથી વધુ જૂનો છે. છેક 1815માં નેપાળ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની (ભારતના તત્કાલીન પ્રતિનિધિ) વચ્ચે સુગૌલી સંધિ કરાર થયા હતા. વિવાદિત વિસ્તારમાં ભારતની સરહદ નેપાળ અને ચીનને સ્પર્શે છે. આ વિસ્તારમાં એક ખીણ છે, જે નેપાળ અને ભારતમાં વહેતી કાલી નદીનું મૂળ છે. કાલાપાની કહેવાતા આ વિસ્તારની નજીક જ લિપુલેખ અને લિમ્પિયાધુરા પાસ પણ આવેલા છે.
વિવાદના મૂળમાં નદીનું મૂળ
સંધિ હેઠળ કાલી નદીને આધારે બંને દેશોની સીમાઓ નક્કી કરવામાં આવી હતી. નદીનો પશ્ચિમ ભાગ ભારતનો અને પૂર્વ વિસ્તાર નેપાળનો ગણાયો હતો. વિસ્તારની વહેંચણી બાબતે સમાધાન થયું, પણ કાલી નદીનું જે ઉદગમસ્થાન છે, એ કોના ક્ષેત્રમાં આવે, એ બાબતે સહમતિ નહોતી સધાઈ. જેને લીધે બંને દેશે સમય સમય પર કાલાપાની પર પોતાનો દાવો કરવાનું ચાલુ રાખ્યું.
વહીવટી રાજ ભારતનું, છતાં…
ત્રણેયના વિવાદિત વિસ્તારો વહીવટી રીતે ભારતનો જ ભાગ છે. કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખના લોકો ભારતીય નાગરિક છે, અને તેમના ઓળખ પત્રો પણ એ જ કહે છે. તેઓ ભારતમાં જ ટેક્સ ભરે છે. તેમ છતાં નેપાળ આડોડાઈ કરવા પર ઉતર્યું છે. એનું કારણ શું?
ચીનના ઈશારે નેપાળની ચાલ?
છેલ્લા થોડા વર્ષોમાં નેપાળની ચીન પર નિર્ભરતા વધી છે. કરન્સી નોટના તાજા મુદ્દામાં પણ ચીનનો રોલ છે. નેપાળની આ નવી કરન્સી નોટ ચીનની કંપની ‘ચાઈના બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન’ દ્વારા છાપવામાં આવી છે. નેપાળે ચીની કંપનીને જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એમાં નોટની રીડિઝાઈનિંગથી લઈને પ્રિન્ટિંગ અને સપ્લાય સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. કુલ 30 કરોડ નંગ નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ થયો છે. ચર્ચા એવી ઊઠી છે કે, ભારતને નારાજ કરવા માટે ચીને જાણી જોઈને નેપાળની નોટ પર પેલા વિવાદિત વિસ્તારોનો સમાવેશ કર્યો છે.
ચીનનો શું ફાયદો?
આર્થિક મોરચે ભારત, ચીનને કટ્ટર સ્પર્ધા પૂરી પાડી રહ્યું છે. બંને દેશ વચ્ચે દોકલામ અને અરુણાચલ પ્રદેશની સરહદનો વિવાદ પહેલેથી જ ચાલી રહ્યો છે. ભારત સામે વ્યૂહાત્મક જીત મેળવવાની ચાલ ચીન છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યું છે, જે અંતર્ગત ભારતના પડોશી દેશોને ચીન પોતાની પાંખમાં લઈ રહ્યું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદિવ્સ જેવા દેશોને વિકાસ માટે મબલખ લોન આપીને ચીને એમને પોતાના બગલબચ્ચાં બનાવી દીધા છે. એ ઓશિયાળા બચ્ચાં ચીનને ઈશારે જ ભારત સામે નાની-નાની વાતે ઘૂરકિયાં કર્યા કરે છે. આ તર્જ પર ચીન હવે નેપાળનો પણ ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. ભારતને પડોશી દેશોથી અલગથલગ પાડીને ભવિષ્યમાં પોતાની મોટી મેલીમુરાદ પાર પાડવાની ચીનની ગણતરી હોઈ શકે.
નાનો છતાં મહત્ત્વપૂર્ણ વિસ્તાર
વિવાદિત વિસ્તાર આશરે 370 ચોરસ કિલોમીટરનો જ છે, એટલે ખાસ મોટો વિસ્તાર ન ગણાય. તેમ છતાં તે લોકેશનને લીધે મહત્ત્વપૂર્ણ છે. અહીં ભારત, નેપાળ અને ચીનની સરહદો એકમેકને સ્પર્શે છે, તેથી વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારત માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અહીંથી ચીની સેનાની હિલચાલ પર નજર રાખવી સરળ છે. અહીં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સતત તૈનાત રહે છે.
દેશના સાર્વભૌમત્વનો સવાલ હોવાથી રાજકીય નકશા મુદ્દે કર્યો હતો એવો જ વિરોધ ભારતે આ વખતે નેપાળની નોટ વિશે પણ કરવો રહ્યો.