ભારતને બાંગ્લાદેશ દબડાવે છે : કહે છે શેખ હસીનાને નહી સોંપો તો સખત વિરોધ માટે તૈયાર રહો
- દુનિયાના 'દાદા' ચીન જે હિંમત ન કરે તે બાંગ્લાદેશ કરે છે
- ભારતની ઇન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે ગુરૂવારે શેખ હસીનાની ધરપકડનું વોરન્ટ કાઢયું : તેઓને 18 નવે. સુધીમાં હાજર થવા ફરમાવ્યું
ઢાકા : દુનિયાના દાદા થઈને ફરતા ચીન પણ જે હિંમત ન કરે, તેવી હિંમત બાંગ્લાદેશે કરી છે. તે ભારતને દબડાવે છે કહે છે શેખ હસીનાને નહી સોંપો તો, સખત વિરોધ માટે તૈયાર રહો. શેખ હસીના અંગે ભારતની આંતરિક સરકાર ભારત વિરૂધ્ધ સખત બયાનબાજી કરી રહી છે. તેના કાનુન મંત્રી આસીફ નઝરૂલે શુક્રવારે કહ્યું હતું કે, જો ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણનો ઇનકાર કરશે તો તેનો સખત વિરોધ કરાશે.
બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે ગુરુવારે શેખ હસીના સામે માનવ અધિકારોનાં ઉલ્લંઘન કરવાના કેસમા તેમની ધરપકડ માટે વોરંટ કાઢી તેઓને ૧૮ નવેમ્બર સુધીમાં હાજર થવા ફરમાન કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, અમારી પાસે તે અંગે કાનૂની વ્યવસ્થા પણ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. ભારત ગમે તેટલા બહાના દર્શાવે તો પણ તે સંધિ પ્રમાણે તેણે શેખ હસીનાને સોંપી દેવા જોઈએ. નહીં તો બાંગ્લાદેશના વિરોધ માટે તેણે તૈયાર રહેવું પડશે.
શેખ હસીના ૫ ઓગસ્ટે પોતાનાં નાના બહેન સાથે ભારત આવી પહોંચ્યા હતાં. ભારત સરકારે તેઓને સલામતિના કારણોસર અજ્ઞાાત સ્થળે રાખ્યા છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેઓનો રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યો છે. શેખ હસીના ભારત આવ્યા ત્યારથી બાંગ્લાદેશનો બબડાટ ચાલે છે. તે કહે છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા મોકલવા કે નહીં તે ભારતે નક્કી કરવાનું છે. એક અન્ય નેતાએ કહ્યું શેખ હસીનાને શરણ આપવું એક અપરાધી અને હત્યારીને શરણ આપવા બરાબર છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લાં ૧૧ વર્ષથી પ્રત્યાર્પણ સંધિ છે. તે સંધિ સરળ બનાવવા બંને દેશોએ ધરપકડનું વોરન્ટ અને સાબિતિઓ રજૂ કરવાનો નિયમ પણ દૂર કર્યો હતો. પરંતુ, તે સંધિમાં એક નિયમ તે પણ છે કે, જો કોઈ રાજકીય અપરાધ સાથે સંકળાયેલી વ્યકિતનાં પ્રત્યાર્પણની માગણી કરવામાં આવે તો તેનો ઇન્કાર પણ કરી શકાય છે. તે પ્રમાણે ભારત શેખ હસીનાનાં પ્રત્યાર્પણનો ઇન્કાર કરી જ શકે.