ભારત એક અસામાન્ય સાફલ્ય ગાથા છે : દેવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમયે બ્લિન્કેને કહ્યું
- હિન્દુ-નેશનાલિઝમના ઉદ્ગમ અંગેના પ્રશ્નને ટાળતાં બ્લિન્કેને કહ્યું બંને દેશો (યુ.એસ.-ભારત) વચ્ચે આર્થિક ઉત્કર્ષ અંગે ચર્ચા ચાલે છે
દેવોસ (સ્વિત્ઝર્લેન્ડ) : ભારત એક અસામાન્ય સાફલ્ય ગાથા છે. તેમ કહેતા અમેરિકન મેધાવી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને અહીં બુધવારે મોદી સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારત સરકારે વાસ્તવિક રીતે જે કાર્યો કર્યા છે, તેથી જનસામાન્યને લાભ થયો છે. તેથી અનેક ભારતીઓનું જીવન પણ સુધર્યું છે.
ભારત-અમેરિકા-સંબંધો અંગે તેઓએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો લોકશાહી અને માનવ અધિકારો અંગેની સમાન વિચારધારાને લીધે વધુ મજબૂત થયા છે.
ભારતમાં હિન્દુ-રાષ્ટ્રવાદનાં ઉદ્ગમ અંગે પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નનો ઉત્તર ટાળતાં તેઓએ ભારતના પ્રબળ આર્થિક ઉત્કર્ષ અને પાયાનાં અર્થતંત્રને મજબૂત કરવાના પ્રયાસો વિષે કહ્યું હતું કે મોદી સરકારે તે અંગે અસામાન્ય પ્રગતિ સાધી છે.
અમેરિકા ભારત અંગે શું માને છે ? તેવા પત્રકારોના પ્રશ્નનો એ પત્રકાર પરિષદમાં ઉત્તર આપતાં બ્લિન્કેને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. મોદી અને બાઇડેન બંને તે માટે સક્રિય પણ છે.
આ ઉપરાંત બ્લિન્કેનને હમાસ-ઇઝરાયલ યુદ્ધ અંગે પૂછતાં તેઓએ કહ્યું હતું કે પેલેસ્ટાઇનનું સ્વતંત્ર રાષ્ટ્ર રચવું તે જ તેનો ઉપાય છે. અને તો જ ઇઝરાયેલને સાચી સલામતી મળી શકે છે. આ સાથે તેઓએ વધુમાં કહ્યું : ઇઝરાયલને પણ મધ્યપૂર્વનાં દાયરામાં લઈ લેવું જોઈએ અને મધ્યપૂર્વના દેશોએ સાથે મળી ઈરાનને એકલું પાડી દેવું જોઈએ કારણ કે ઇરાન અને તેનાં પ્યાદાંઓ તે વિસ્તાર માટે સૌથી વધુ ચિંતાજનક છે.