તૈયાર હતું વિમાન... જાણો કઈ રીતે ભારતે 2009ના વિદ્રોહમાં બચાવી હતી શેખ હસીનાની ખુરશી

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Bangladesh PM Sheikh Hashina



Bangladesh 2009 Rebellion: અનામત હટાવવાની માંગ સાથે શરુ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઠેર-ઠેર આગચંપી અને હિંસા વચ્ચે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હિંસક પ્રદર્શનો વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવવા માટે રવાના થયા છે. શેખ હસીનાના રાજીનામા બાદ આર્મી ચીફે વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રથમ વખત નથી જ્યારે શેખ હસીના સામે વિદ્રોહ થયો હોય વર્ષ 2009માં પણ તેમના વિરૂદ્ધ વિદ્રોહ થયો હતો, ત્યારે ભારતે તેમની સત્તા બચાવી હતી.

બાંગ્લાદેશ રાઇફલ્સે કર્યો હતો બળવો

2009માં, બાંગ્લાદેશ રાઈફલ્સે (BDR) બાંગ્લાદેશ સરકાર સામે બળવો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની હત્યા કરવામાં આવી હતી. આ બાંગ્લાદેશના ઈતિહાસમાં સૈન્ય અધિકારીઓનો સૌથી ભયાનક હત્યાકાંડ સાબિત થયો હતો. હસીના બે મહિના પહેલા જ દેશના વડાંપ્રધાન બન્યા હતા અને તેમણે સંરક્ષણ ખાતું પણ પોતાના હાથમાં રાખ્યું હતું. જ્યારે તેમને વધારે જોખમ લાગ્યું ત્યારે તેમણે ભારત પાસે મદદ માગી હતી.

આ પણ વાંચોઃ શેખ હસીનાના પિતાએ જેમને રાજદૂત બનાવ્યા, તેમણે જ આશરો આપવાનો કર્યો હતો ઈન્કાર, જાણો આખી ઘટના

ભારતે બચાવી હતી હસીનાની ખુરશી

બળવો વધતા શેખ હસીનાએ ભારતના તત્કાલીન વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી પાસે મદદ માગી હતી. મદદની વિનંતી પર વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ તેમને મદદની ખાતરી આપી હતી. બળવાની માહિતી મળ્યા બાદ તરત જ વિદેશ સચિવ શિવશંકર મેનને અમેરિકાથી લઈને બ્રિટન, જાપાન અને ચીન સુધીના લોકો સાથે વાત કરી અને શેખ હસીનાની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશમાં સંભવિત ઉતરાણ માટે ભારતીય સૈનિકોને તૈયાર કરવાના આદેશો આપ્યા હતા અને પેરાશૂટ રેજિમેન્ટની 6ઠ્ઠી બટાલિયનના પેરાટ્રૂપર્સ સહિત લશ્કરી સંસાધનો તૈયાર કર્યા હતા.

ભારતીય સૈનિકોને ઢાકા એરપોર્ટ અને તત્કાલીન પીએમ હસીનાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતે બાંગ્લાદેશના સૈન્ય નેતૃત્વને કડક સંદેશ મોકલ્યો હતો કે, જો હસીના વિરુદ્ધ કોઈપણ બળનો ઉપયોગ કરવામાં આવશે, તો ભારત તરત જ હસ્તક્ષેપ કરશે. આ કડક ચેતવણી બાદ બળવાખોરો શાંત થયા હતા અને ભારતીય સૈન્યના હસ્તક્ષેપ વિના મામલો શાંત પડ્યો હતો. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કેમ ગાદી છોડવી પડી ? ભારતમાં રહેશે કે લંડનમાં લેશે શરણ ?

શું હતો સમગ્ર મામલો?

ફેબ્રુઆરી 2009ના અંતમાં, બાંગ્લાદેશ રાઇફલ્સ "બીડીઆર સપ્તાહ" તરીકે ઓળખાતા તેમના વાર્ષિક ત્રણ દિવસીય ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. આ એક એવો પ્રસંગ હતો જેમાં સંગઠનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને સૈનિકો એક બીજાને મળતા અને પરેડ તેમજ શસ્ત્રોનું પ્રદર્શન કરતા હતા. આમ તેઓ ઉજવણી કરતા હતા. સામાન્ય રીતે સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેતા હતા.

25 ફેબ્રુઆરીએ, આ કાર્યક્રમ બાંગ્લાદેશ રાઈફલ્સના પિલખાના હેડક્વાર્ટરમાં થઈ રહ્યો હતો. આ કાર્યક્રમમાં બીડીઆરના ટોચના કમાન્ડર પણ હાજર હતા. સમારોહમાં શસ્ત્રોને મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ તે દિવસે ઘણાં બીડીઆર સૈનિકો કચેરી હોલમાં છુપાવીને શસ્ત્રો લઇ આવ્યા હતા. કાર્યક્રમ શરૂ થયા બાદ બીડીઆરના મહાનિર્દેશકે ત્યાં હાજર સૈનિકો સાથે તેમની ફરિયાદો વિશે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારે અચાનક એક બીડીઆર સૈનિકે પોતાની બંદૂકથી ત્યાં હાજર વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તરફ નિશાન સાધ્યો હતો. આ પછી તરત જ બીડીઆરના અન્ય સશસ્ત્ર સૈનિકો પણ ઉભા થઈ ગયા હતા અને હૉલ અને બેરેકમાં અધિકારીઓની હત્યા કરવા લાગ્યા હતા અને કેટલાક અધિકારીઓને બંધક બનાવ્યા હતા. 

જો કે, સમગ્ર બીડીઆર રેજિમેન્ટ આ બળવામાં સામેલ ન હતી. એવું કહેવાય છે કે તેમાંથી ઘણાએ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને બચાવવાનો પ્રયાસ પણ કર્યો અને કેટલાક પોતાનો જીવ બચાવવા છુપાઈ ગયા હતા. બળવો સમાપ્ત થયો ત્યાં સુધીમાં, 57 લશ્કરી અધિકારીઓ સહિત 74 લોકો માર્યા ગયા હતા. જેમાં બીડીઆરના ડાયરેક્ટર જનરલ શકીલ અહેમદનું પણ મોત થયું હતું. સૈન્ય અધિકારીઓ ઉપરાંત ડાયરેક્ટર જનરલની પત્ની અને કેટલાક મિત્રો સહિત છ નાગરિકો પણ માર્યા ગયા હતા.


Google NewsGoogle News