ભારત આર્થિક ભવ્યતા તરફ જઈ રહ્યું છે, શ્રીલંકાને ભારત સાથે વિશિષ્ટ સંબંધો છે : શ્રીલંકાના વિદેશ મંત્રી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ભારત આર્થિક ભવ્યતા તરફ જઈ રહ્યું છે, શ્રીલંકાને ભારત સાથે વિશિષ્ટ સંબંધો છે : શ્રીલંકાના વિદેશ મંત્રી 1 - image


- બ્રિક્સ ગ્રુપમાં જોડાવામાં ભારત સહાય કરે : અલી સાબ્રી

- એક જવાબદાર પાડોશી તરીકે અમે ભારતને નુકસાન થાય તેવું થવા નહીં દઈએ : અલિસાબ્રીએ તેમ કહેતાં રામાયણનો પણ ઉલ્લેખ કર્યો

કોલંબો : ભારત સાથેના શ્રીલંકાના ઘણા જ સારા સંબંધો હોવાનું કહેતાં શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબ્રીએ કહ્યું હતું કે ભારત આર્થિક ભવ્યતા તરફ જઈ રહ્યું છે. તેથી સમગ્ર વિસ્તારને લાભ જ થવાનો છે. તેઓએ શ્રીલંકાના તો ભારત સાથે વિશિષ્ટ સંબંધો છે. (તેથી શ્રીલંકાને તો વિશેષ લાભ થવા સંભવ છે તેમ પણ સાબ્રીએ આડકતરી રીતે પત્રકારોને જણાવ્યું હતું.) આ સાથે અલી સાબ્રીએ પ્રતિજ્ઞાા પૂર્વક કહ્યું હતું કે, એક ઉત્તરદાયી પાડોશી તરીકે અમે ભારતની સલામતી જોખમાય તેવું કશું જ થવા નહીં દઈએ.

આ સાથે તેઓએ કહ્યું હતું કે શ્રીલંકાના મોટર્સ, રીન્યુએબલ એનર્જી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર્સમાં ભારત દ્વારા વધુને વધુ રોકાણો થાય તેવું અમે ઇચ્છીએ છીએ. અમારી ભારત સાથે બહુયામી ભાગીદારી છે. તેથી અમે બંનેને લાભકર્તા થઈ શકે તેવા વ્યવહારો રાખી રહ્યાં છીએ. સાબ્રીએ પ્રવાસન ઉપર પણ ભાર મુકતાં કહ્યું હતું કે તે ક્ષેત્રમાં ઘણી ઘણી તકો રહેલી છે. અમે ઇચ્છીએ છીએ કે વધુને વધુ ભારતીયો પ્રવાસન માટે અહીં આવે.

ભારત-શ્રીલંકાના સાંસ્કૃતિક સંબંધોની વાત કરતાં તેમણે કહ્યું શ્રીલંકાનો સમગ્ર વર્ગ ભલે તે બૌદ્ધો હોય, સિંહાલીઓ હોય, તમિળો હોય કે મુસ્લીમો હોય તે સર્વે ઉપર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ રહેલો છે. તેમાંએ રામાયણનો પ્રભાવ પણ સઘન રીતે રહેલો છે. આ સાથે તેઓએ પહેલેથી જ શ્રીલંકાના પ્રવાસનું ભારતીયોનું વલણ ટાંકતાં કહ્યું કે આ પ્રવાસન વધુ વિકસાવવું તે બંને દેશોના હિતમાં છે.

તેઓએ તમિળનાડુનાં નેગાપટ્ટનમ્ અને જાફના પાસેના કનકેસંથુરાઈ વચ્ચે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇંડીયા દ્વારા ચલાવાતી ફેરી સર્વિસની સંખ્યા વધુ કરવા પણ અનુરોધ કર્યો હતો.

આ સાથે તેઓએ સ્પષ્ટત: કહ્યું હતું કે શ્રીલંકા તો તમામ દેશો સાથે સારા સંબંધો રાખવા માગે છે, પરંતુ ભારત સાથે તો અમારા વિશિષ્ટ સંબંધો છે. અને ભારતને નુકસાન થાય તેવું કશું પણ થવા નહીં દઈએ. આમ કહી તેઓએ ચીન પ્રત્યે આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અલિ સાબ્રીએ બ્રિકસ ગ્રુપમાં જોડાવાની શ્રીલંકાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે જાન્યુ. ૧, ૨૦૨૪થી રશિયા તેના પ્રમુખપદે છે. ઇજીપ્ત, ઇથોપિયા, ઇરાન, સઉદી અરબસ્તાન અને યુ.એ.ઈ. તાજેતરમાં જ બ્રિકસ માં જોડાયાં છે. તે પણ સંપૂર્ણ સભ્યપદ સાથે તો શ્રીલંકાની પણ બ્રિકસમાં જોડાવાની ઈચ્છા છે અને તે માટે ભારત અમને સહાય કરે તેમ ઈચ્છીએ છીએ.

અલિ સાબ્રીએ વધુમાં કહ્યું હતું કે અમારા પ્રમુખ રેનીલા વિક્રમ સિંઘે ગત વર્ષે ભારતની મુલાકાતે ગયા હતા અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ કક્ષાનાં પ્રતિનિધિ મંડળ સાથે શ્રીલંકાની મુલાકાતે આવે.


Google NewsGoogle News