ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ ભીખ માંગે છે, નવાઝ શરીફનું દિલે બયાન
આર્થિક સંકટ,મોંઘવારી અને ગરીબી માટે પૂર્વ શાસકોને જવાબદાર ગણાવ્યા
ભારતનો વિદેશી મુદ્વા ભંડાર ૬૦૦ અબજ અમેરિકી ડોલર આસપાસ છે.
નવી દિલ્હી,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે બળાપો ઠાલવતા જણાવ્યું છે કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને આપણે હજુ ભીખ માંગીએ છીએ. વિદેશમાં દેશવટો જેવી સ્થિતિમાં રહેતા નવાઝ શરીફે પાકિસ્તાનની વર્તમાન પરીસ્થિતિ માટે પૂર્વ જનરલો અને ન્યાયાધિશોને જવાબદાર ઠરાવ્યા છે. નવાઝે જી-૨૦ના ભારતે કરેલા સફળ આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. નવાઝે પૂર્વ શાસકોને આર્થિક સંકટ,મોંઘવારી અને ગરીબી માટે જવાબદાર ગણાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે નવાઝ શરીફે વીડિયો લિંક દ્વારા લાહોરમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. ભારતની ઇકોનોમિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ૧૯૯૦માં ભારતે આર્થિક સુધારાઓ કર્યા તેનું સારી રીતે પાલન કર્યુ છે. અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા હતા ત્યારે બારત પાસે ફોરેકસ રિઝર્વ માત્ર ૧ અબજ ડોલર હતું જયારે હાલમાં ભારતનો વિદેશી મુદ્વા ભંડાર ૬૦૦ અબજ અમેરિકી ડોલર છે. પાકિસ્તાન હજુ પણ આઇએમએફ પાસે લોન લેવા માટે કરગરે છે. રોકડ નાણાની તંગી દૂર થતી નથી. ભારત કયાંથી કયા પહોંચી ગયું તેનો પણ વિચાર કરવો જરુરી છે.