વિશ્વ પંચાયતમાં નવા સરપંચની એન્ટ્રી : G20 પરિષદમાં આફ્રિકન યુનિયનને સામેલ કરી ભારતે સમર્થકો વધાર્યા છે
- ભારત ગ્લોબલ પ્લેયર નહીં, ગ્લોબલ પાવર બની રહ્યું છે
- મોદી રશિયા પછી યુક્રેન ગયા : અમેરિકા, રશિયા મૌન, ચીન પાસે ચાલ રહી નહીં : 'નામ' આંદોલન ફરી સક્રિય બન્યું
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પછી યુક્રેન ગયા. અમેરિકા, રશિયા મૌન રહ્યા. ચીન પાસે કોઈ ચાલ રહી નહીં. 'નામ' આંદોલન ફરી સક્રિય બની રહ્યું. રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થવાનું નામ નથી લેતું. હજ્જારો માર્યા ગયા છે. વિશ્વને નુકસાન થઈ રહ્યું છે. ભૂખ, ગરીબી, અર્થતંત્રો અસ્થિર બે વિશ્વયુદ્ધની વિભિષિકા જોયેલું વિશ્વ આ વિભિષિકા ઉંચા શ્વાસે જોઈ રહ્યું છે. પરંતુ ગજબની વાત તે છે કે ભારત (મોદી) બંને દેશોને ગળે લગાડી રહ્યું છે. ભારત સૌ કોઈનું મિત્ર છે.
યુક્રેન તો ફસાયું જ છે. રશિયા પણ ફસાયું છે. બંને વાસ્તવમાં બહાર નીકળવાનો માર્ગ શોધે છે. ૧૯૪૩ પછી ખેદાન-મેદાન થઈ ગયું છે. બંનેને યુદ્ધમાં બહાર નીકળવું છે ત્યારે મોદીએ પુતિન અને ઝેલેન્સ્કી બંનેના હાથ પકડયા છે અને યોગ્ય માર્ગ દર્શાવવાની કોશિશ કરે છે.
થોડા સારા સંકેતો પણ મળ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે, શાંતિ શિખર સંમેલન દિલ્હીમાં થવું જોઈએ, જીનીવા કે લંડનમાં નહીં. જો આમ બનશે તો ભારત ગ્લોબલ પ્લેયર નહીં, ગ્લોબલ પાવર બની રહેશે.
માત્ર રશિયા-યુક્રેનમાં જ નહીં, પરંતુ પેલેસ્ટાઇન, વત્તા લેબેનોન, ઇરાન સાથેના ઇઝરાયલી સંઘર્ષમાં પણ ભારતના હસ્તક્ષેપની જરૂર છે. હવે ભારત ગ્લોબલ પ્લેયર નહીં ગ્લોબલ પાવર બની રહ્યું છે. આફ્રિકન યુનિયનને પણ જી-૨૦ શિખર પરિષદમાં સામેલ કરી નરેન્દ્ર મોદીએ નોન એલાઇઝ મુવમેન્ટ (નામ) ને પુનર્જિવિત કરી છે.
ઇઝરાયલ ભારતનું મિત્ર છે, પરંતુ પેલેસ્ટાઇનીઓ પ્રત્યે હમદર્દી રાખે છે. ઇરાન સાથે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો છે.
ભારત હવે ખરા અર્થમાં ગ્લોબલ પાવર બની શકશે તે નિર્વિવાદ છે. આજથી ૭૧ વર્ષ પૂર્વે કોરિયન યુદ્ધમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી યુદ્ધ વિરામ કરાવ્યો. શાંતિ પણ સ્થાપી. ભારતની સલાહ ચીન, રશિયા અને અમેરિકાએ સ્વીકારી સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતનું સૂચન સ્વીકાર્યું.
ભારતની વિશિષ્ટતા તે છે કે, તેને કોઈ ડાઘ નથી. ઇરાક-યુદ્ધથી અમેરિકા કલંકિત થયું. યુક્રેન યુદ્ધથી રશિયા, રશિયા ઉપર તે ઉપરાંત, ક્રીમીયા જ્યોર્જિયા, યુદ્ધના ડાઘ છે. તેવામાં આફ્રિકન યુનિયનને પણ જી-૨૦માં સામેલ કરી ભારત ગ્લોબલ સાઉથના નિર્વિવાદ નેતા બની રહ્યું છે. આર્થિક મોર્ચે પણ ભારત સતત આગળ વધી રહ્યું છે. હવે નવો યુગ ભારતનો છે. ગ્લોબલ સાઉથનું તે નેતા છે. તે આર્થિક, વૈજ્ઞાનિક તેમજ સેનાકીય દ્રષ્ટિએ ગ્લોબલ સાઉથનું અગ્રણી બની ચુકયું છે. શસ્ત્ર ઉત્પાનમાં આત્મનિર્ભર તો બન્યું જ છે, પરંતુ ૮૫ દેશોને શસ્ત્રો વેચે છે.
આમ નરેન્દ્ર મોદીએ ભારતને તે ભૂમિકા ઉપર મુકી દીધું છે કે હવે દુનિયાને ભારતની વાત સાંભળવી જ પડે તેમ છે.