યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી થઈ શકે તેટલી ભારતની વિશ્વસનીયતા છે : ડેવિડ કેમેરોન
- આ સાથે તેમણે જોવું જોઇએ કે પુતિન બળપૂર્વક કોઇનો પ્રદેશ પડાવી ન લે : પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન
વિશ્વ શિખર પરિષદમાં બોલતા પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમેરોને કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવામાં ભારત ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે. આ યુદ્ધમાં મધ્યસ્થી થઈ શકે તેટલી ભારતની વિશ્વસનીયતા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અઢી વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે. પરંતુ તેમાં યુદ્ધ વિરામ થવાની કોઇ શક્યતા દેખાતી નથી. આથી શાંતિ મંત્રણા યોજવાની સંભાવના જ દૂર સરી રહી છે.
ભારતે આ યુદ્ધમાં ઉકેલ લાવવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જ જોઈએ તેમ કહેતાં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સાથે ભારતે તે પણ જોવું જોઈએ કે, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન બળ પૂર્વક કોઇની ભૂમિ ન લઈ શકે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિન શુક્રવારે જણાવ્યું હતું કે આ યુદ્ધ ક્યારે બંધ થશે તે માટેની સમય રેખા આપવી મુશ્કેલ છે. છતાં તેમ પણ કહ્યું હતું કે, તેઓનો દેશ તે યુદ્ધમાં વિજયી થશે જ. આ સાથે તેઓના વડાપ્રધાન મોદીએ તે યુદ્ધ અંગે દર્શાવેલી ચિંતા માટે તેઓની પ્રશંસા પણ કરી હતી.
તા. ૨૨-૨૩ ઓકટોબરે રશિયાનાં કાઝાનમાં બ્રિક્સ-દેશોની શિખર પરિષદ યોજાવાની છે. આ શિખર પરિષદનું યજમાન રાષ્ટ્ર રશિયા છે. પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા સારા સંબંધો છે. વિશ્લેષકો આશા રાખે છે, તે શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેન યુદ્ધમાં સમાધાન શોધવા પ્રયત્નો જરૂર કરશે.
પુતિન મોદી ઉપર એટલા માટે ખુશ છે કે તેઓએ પશ્ચિમની બ્લોક રચવાની (જૂથ બંધીની) કાર્યવાહીની ટીકા કરી હતી. સાથે તેમ પણ કહ્યું હતું કે ભારત પશ્ચિમ વિરોધી નથી. માત્ર પશ્ચિમની જૂથ બંધીથી અલગ રહેવા માંગે છે. તે એન્ટી-વેસ્ટ નથી. નોન-વેસ્ટ છે. આનો પુતિન પર ઘણો પ્રભાવ પડયો છે.
મહત્વની વાત તે છે કે ડેવિડ કેેમેરોને આ મુલાકાત દરમ્યાન ભારતને સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી સીટનું પણ સમર્થન કર્યું હતું.