ભારતનુ પર્યટન ઉદ્યોગમાં મોટુ યોગદાન, માલદીવના ટુરિઝમ એસોસિએશને પણ પોતાની જ સરકારની ઝાટકણી કાઢી
image : twitter
માલે,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર
ભારત પર માલદીવના મંત્રીઓ અને અધિકારીઓએ કરેલી ટિપ્પણી બાદ બંને દેશો વચ્ચેની કડવાશ વધી ગઈ છે.
ભારતમાં માલદીવના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો માલદીવમાં આ મુદ્દે ઘમાસાણ મચ્યુ છે. હવે માલદીવના એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીએ પણ પોતાની સરકારના મંત્રીઓએ આપેલા નિવેદનો માટે ખેદ વ્યક્ત કર્યો છે.
માલદીવના એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યુ છે કે, માલદીવના કેટલાક ડેપ્યુટી મિનિસ્ટર દ્વારા ભારતના લોકો તેમજ ભારતના પીએમ માટે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓની અમે નિંદા કરીએ છે. ભારત આપણા સૌથી નજીકના પાડોશી અને સહયોગીઓ પૈકીનુ એક છે. માલદીવને જ્યારે પણ મુશ્કેલી પડી છે ત્યારે ભારત સૌથી પહેલા આગળ આવ્યુ છે. અમે આ માટે ભારતની સરકાર અને લોકોના આભારી છે.
માલદીવના એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીએ વધુમાં કહ્યુ છે કે, માલદીવના પર્યટન ઉદ્યોગમાં પણ ભારતનુ બહુ મોટુ યોગદાન રહ્યુ છે. કોવિડ દરમિયાન અમારી બોર્ડરો ફરી ખોલવાના પ્રયાસમાં ભારતે અમારી મદદ કરી છે. અમારી ઈચ્છા છે કે, બંને દેશો વચ્ચેના ઘનિષ્ઠ સબંધો આવનારી પેઢીઓ સુધી યથાવત રહે. આપણા સબંધો પર નકારાત્મક અસર પડે તેવા નિવેદનો આપવાનુ ટાળવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ બંને દેશો વચ્ચે વિવાદની શરુઆત થઈ હતી. પીએમ મોદીએ ભારતમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા લોકોને આગ્રહ કર્યો હતો અને એ પછી માલદીવના મંત્રીઓએ લક્ષદ્વીપ અને માલદીવની સરખામણી શરુ કરીને ભારતીયો સામે અને પીએમ મોદી સામે અણછાજતી ટિપ્પણી કરતા હોબાળો મચ્યો હતો. જે હજી શાંત થયો નથી.