તાઇવાનની નવી સરકારને ભારતે વધાવી, ફિલિપાઇન્સે પણ વધાવી : ચીનને મરચા લાગ્યાં
- મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે એક સમારોહમાં તાઈવાનને શુભેચ્છા પાઠવી 'ભારત-તાઇવે-એસોસિયેશન' તાઇવાનમાં દૂતાવાસ જેવું કામ કરે છે યાદવ તેના પ્રમુખ છે
તાઇવે : તાઇવાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરનાર નેતાઓને ભારતે અભિનંદનો આપ્યા છે. આથી ચીન ધૂંધવાયું છે. વાસ્તવમાં જે દેશ તાઇવાનને અભિનંદનો આપે છે, તે દેશ ઉપર આ તેનો ધૂંધવાટ ઠાલવે છે. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી તાઇવાન (ફોક્સ-તાઈવાન)ના રીપોર્ટ પ્રમાણે તાઇવાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવ નિર્વાચીત નેતાઓને અભિનંદનો પાઠવ્યાં છે.
સમાચાર એજન્સી એએનઆઈના રીપોર્ટ પ્રમાણે લક્ષ્મણભાઈ યાદવ, ભારતના ગણતંત્ર દિવસે કઈ રીતે ઉત્સવ ઉજવવો તે અંગે અહીં વસતા ભારતીઓના 'સ્વાગત સમારોહ'ને સંબોધિત કરતાં તાઇવાનની નવ-નિર્વાચિત સરકારને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે કહ્યું હતું કે તાઇવાનની લોકશાહીને આપણે ફળતી-ફૂલતી જોઈ શકીએ છીએ, તેની સફળતા માટે તેના નેતાઓએ અથાક પ્રયત્નો પણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતે તાઇવાનમાં સત્તાવાર દૂતાવાસ સ્થાપ્યો નથી, પરંતુ આ 'ભારત-તાઈવે-એસોસિએશન'ના વરિષ્ઠ નેતાઓ જ 'રાજદૂત' સમાન કાર્ય કરે છે. બીજી તરફ તાઇવાનનાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિભાગની ઓફીસો દિલ્હી તેમજ મુંબઈમાં છે. જે વાસ્તવમાં તાઇવાનમાં દૂતાવાસનું જ કામ કરે છે. તેના વરિષ્ઠ નેતાઓ રાજદૂતનું કામ કરે છે. બંને દેશોના આ પ્રતિનિધિઓ બંને દેશોમાં વિદેશ મંત્રાલયો સાથે સતત સંપર્કમાં જ રહે છે. ચીન તે જાણે જ છે. તેથી જ મનહરસિંહના આ વિધાનોથી ચીન ઉકળી ઉઠયું છે. કારણ કે ચીન તાઇવાન પોતાનું જ હોવાનો દાવો કરે છે તો બીજી તરફ તાઇવાનના નવનિર્વાચિત પ્રમુખ લાઈ-વિંગને કોઈ પણ ભોગે તાઇવાનની સ્વતંત્રતા માટે કૃતનિશ્ચયી છે.
આટલું જ નહીં, પરંતુ એક સમયે ચીનની પાસે સરકેલું ફિલિપાઇન્સ પણ ચીનની બદ-દાનતથી ચેતી ગયું છે. તે હવે ખુલ્લેઆમ ચીનની વિરૂદ્ધ થઈ ગયું છે. તાઇવાનની ચૂંટણીમાં રાષ્ટ્રપતિપદ માટે વિજયી થનારા લાઈ-ચિંગ-તેને ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ જુનિયરે તો સત્તાવાર રીતે અભિનંદનો પાઠવ્યા છે. તેથી ચીન ધૂંધવાયું છે તેના વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા માઓ નિંગે, ફિલિપાઇન્સની આ પ્રવૃત્તિને ચીનની આંતરિક બાબતમાં 'હસ્તક્ષેપ' સમાન ગણાવી છે.