H-1B વિઝા બંને દેશો માટે લાભકારી: ટ્રમ્પની શપથવિધિ પહેલા ભારતનું મોટું નિવેદન
USA H-1B Visa: અમેરિકામાં એચ-1બી વિઝા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે મૌન તોડ્યું છે. ભારતે એચ-1બી વિઝા બંને દેશો માટે લાભદાયી હોવાનો તેમજ બંને દેશોના આર્થિક વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું નિવેદન આપ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકામાં એચ-1બી વિઝા પર ચર્ચા કરતાં શુક્રવારે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે મજબૂત ઈકોનોમિક અને ટેક્નોલોજિકલ પાર્ટનરશિપ છે. જેમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સનું સ્થળાંતર નોંધનીય હિસ્સો છે. આ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી ટેક્નિકલ નિપુણતાનો લાભ ભારત અને અમેરિકા બંનેના આર્થિક વિકાસ માટે લાભકારી બને છે.
ટ્રમ્પ અને મસ્કનું એચ-1બી વિઝાને સમર્થન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થક બિઝનેસમેન ઈલોન મસ્ક એચ-1બી વિઝાને સમર્થન આપી રહ્યા છે. જ્યારે અમેરિકાનો એક વર્ગ આ વિઝાનો વિરોધ કરી રહ્યો છે. ઘણા લોકોએ ચૂંટણી બાદ ટ્રમ્પનો યુ-ટર્નની આકરી ટીકા કરી રહ્યા છે, કારણકે, ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અમેરિકન્સના હિતમાં ઈમિગ્રેશન મુદ્દે આકરા નિર્ણયો લેવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચોઃ H1B વિઝાને લઈને વધી રહી છે ભારતીયોની મુશ્કેલી? વિરોધમાં એક થઈ ગયા દક્ષિણ અને વામપંથી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલાં જ એચ-1બી વિઝાનો મુદ્દો વિવાદોમાં મૂકાયો છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ જો બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે મતભેદ સર્જાયો છે. આ વિઝા ભારતીય પ્રોફેશનલ્સ માટે લોકપ્રિય છે.
અમેરિકન્સનો ભારે વિરોધ
એચ-1બી વિઝાના કારણે અમેરિકન્સની રોજગારી છીનવાઈ રહી હોવાનો આરોપ મૂકતાં ભારે વિરોધ દર્શાવી રહ્યા છે. અમેરિકાના નાગરિકો નવા રાષ્ટ્રપતિને ઈમિગ્રેશન અને એચ-1બી પોલિસી આકરી બનાવવા માગ કરી રહ્યા છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દરવર્ષે હજારો સ્કિલ્ડ પ્રોફેશનલ્સની ભરતી એચ-1બી વિઝા હેઠળ કરે છે.
20 જાન્યુઆરીએ ટ્રમ્પ શપથ લેશે
ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ લેશે. તેઓ છેલ્લા કેટલાક સપ્તાહથી ઈમિગ્રેશન પોલિસી અને એચ-1બી વિઝાને સમર્થન આપતાં નિવેદનો આપી રહ્યા હતા. જેના પગલે તેમના જ સમર્થકો અને અમેરિકાના નાગરિકો વચ્ચે બે ફાટ પડી છે. કેટલાક લોકોએ એચ-1બી વિઝાને સમર્થન આપ્યું છે, તો કેટલાકે તેનો વિરોધ કર્યો છે.