કૃષ્ણદાસની ધરપકડ અને હિન્દુઓ પર થતા હુમલા અંગે ભારતે ચિંતા દર્શાવી : યુનુસે કહ્યું તે મિત્રતા વિરોધી છે
- 'ચોર કોટવાલને દંડે' તેવો ઘાટ થયો છે
- બાંગ્લાદેશમાં તો દરેકને તેમનો ધર્મ પાળવાની મુક્તિ છે જ કૃષ્ણદાસની રાજ્યદ્રોહના અપરાધસર ધરપકડ થઈ છે
ઢાકા : ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ન કોન્શ્યસનેસ (ઇસ્કોન)ના સ્વામી ચિન્મય કૃષ્ણદાસ ઢાકાના વિમાનગૃહેથી પોતાનાં વતનના શહેર ચત્તોગ્રામ જઈ રહ્યા હતા ત્યાં ચત્તોગ્રામ પાસે જ તેઓની ધરપકડ કરાતાં બાંગ્લાદેશ સ્થિત હિન્દુ સમાજે શાંત વિરોધ સરઘસો ઠેર ઠેર કાઢ્યા હતા તેની ઉપર જમાત-એ-ઇસ્લામી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (લીએનપી)ના કાર્યકરોએ હુમલો કર્યો હતો, તે સર્વવિદિત છે. આ બંને ઘટનાઓ અંગે ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવતાં બાંગ્લાદેશની યુનુસ સરકારે સામા આક્ષેપજનક સમાન ઉત્તરમાં કહ્યું હતું કે આવા નિવેદનો ઘણા કમનસીબી છે તે હકીકતોને મારીમચડી રજૂ કરે છે. બાંગ્લાદેશમાં તો દરેક ધર્મના લોકો વચ્ચે સંવાદિતા જ રહેલી છે. અહીં દરેક ધર્મના અનુયાયીઓને પોત-પોતાના ધર્મને અનુસરવાની મુક્તિ છે જ. તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ પણ છે. વાસ્તવમાં કૃષ્ણદાસની ધરપકડ તો તેમણે કરેલા રાજ્યદ્રોહ સમાન વિધાનોને લીધે કરવામાં આવી હતી. પરંતુ ભારત સરકાર તે ઘટનાને 'વિકૃત' રીતે લઈ ખોટી આક્ષેપબાજી કરી રહી છે.
નિરીક્ષકો કહે છે કે, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ, જૈનો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને ગણ્યા-ગાંઠયા યહૂદીઓ ઉપર પણ થઈ રહેલા હુમલાઓ પ્રત્યે તદ્દન ઉદાસીન વલણ ધરાવતી અને માનવ અધિકારો પ્રત્યે આંખ આડા કાન કરતી યુનુસ સરકારનાં આ નિવેદનો 'ચોર કોટવાલને દંડે' સમાન બની રહ્યાં છે.