યુદ્ધગ્રસ્ત સીરિયાથી 75 ભારતીયોને બચાવાયા, હવે લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશે
75 indian Rescue From Syria | તાજેતરના દિવસોમાં સીરિયામાં સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. વિદ્રોહી દળોએ રાષ્ટ્રપતિ બશર અલ અસદને હટાવ્યાના બે દિવસ બાદ ભારતે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા હતા. આ ભારતીયો લેબનોન થઈને ભારત પહોંચશે.
વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું
વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસો દ્વારા સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ લોકોનું સામૂહિક રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સીરિયામાં તાજેતરની ઘટનાઓને પગલે ભારત સરકારે આજે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે.
સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખશે
વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં બાકી રહેલા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખશે.