ભારત-ઈંગ્લેન્ડ મેચ પર આતંકનો ઓછાયો, પન્નુની મેચ રદ કરાવવાની ધમકી

‘આદિવાસીઓની જમીન પર મેચ ન યોજવા દો’ પન્નુએ વીડિયો જારી કરી ધમકી આપી

આતંકવાદી પન્નુએ ઝારખંડ-પંજાબમાં ખાનાખરાબી સર્જવા માઓવાદીઓને ભડકાવ્યા

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ભારત-ઈંગ્લેન્ડ મેચ પર આતંકનો ઓછાયો, પન્નુની મેચ રદ કરાવવાની ધમકી 1 - image


India vs England Test Match : ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23થી 27 ફેબ્રુઆરી ચોથી ટેસ્ટ મેચ યોજાવાની છે, જોકે તે પહેલા શિખ ફોર જસ્ટિસ સંગઠને મેચ રદ કરવાની અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને વતન પરત જવાની ધમકી આપી છે. આ ઘટના બાદ રાંચી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ રાંચીના ડીસી રાહુલ સિન્હાએ પણ ધમકીને ગંભીરતાથી લઈ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. ધમકીના ઓડિયો-વીડિયોની પણ ખરાઈ ચકાસવામાં આવી રહી છે અને રાંચીમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

પન્નુએ યુટ્યુબ પર વીડિયો જારી કર્યો

એફઆઈઆરમાં જણાવાયું છે કે, શિખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun)એ યુટ્યુબ પર વીડિયો જારી કર્યો છે. જેમાં તેણે ભારત અને ઈંગ્લેન્ડની મેચ રદ થાય તેમજ ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા (Rohit Sharma) અને ઈંગ્લેન્ડ ટીમનો સુકાની બેન સ્ટોક્સ (Ben Stokes) મેચ ન રમી શકે તે માટે ભારતના પ્રતિબંધીત સંગઠન ભાકપા (માઓવાદી)ને આહવાન કર્યું છે કે, તેઓ ઝારખંડ અને પંજાબમાં ઘર્ષણ ઉભુ કરે. આ ઉપરાંત પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને વતનમાં પાછા જવાની પણ ધમકી આપી છે. પન્નૂની કરતુતને FIRમાં સ્પષ્ટ રીતે આતંકી કાર્યવાહી દર્શાવાઈ છે.

પન્નુએ ધમકીમાં શું કહ્યું ?

વીડિયોમાં પન્નુ ભાકપા માઓવાદીઓને ઉકસાવી કહી રહ્યો છે કે, ‘આદિવાસીઓની જમીન પર ક્રિકેટ ન યોજવા દો.’ એફઆઈઆરમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, આવા વિવાદિત વીડિયોના કારણે સરકારને મોટું નુકસાન થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી પણ ખરડાવાનો પ્રયાસ કરાયો છે. હાલ આ મામલે પોલીસે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News