યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા પર 80 દેશોનું સમર્થન, ભારત સહિત 12 દેશોએ હસ્તાક્ષર ન કર્યા
Image : IANS |
Ukraine Peace Summit : સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન પીસ સમિટ યોજાઈ હતી. જેમાં વિશ્વના 80 દેશોએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાની શરતને યુદ્ધ ખતમ કરવા માટે મુખ્ય આધાર બનાવીને નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ભારત સહિત 12 દેશોએ સંઘર્ષ થવાની આશંકા વ્યક્ત કરીને શાંતિ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા ન હતા. રશિયા અને ચીન પણ દૂર રહ્યા હતા.
ભારત વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાના પક્ષમાં
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે યુક્રેનમાં વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાના પક્ષમાં છે. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા છે. ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ એકપક્ષીય રીતે નહીં. ઉલ્લેખનીય છે કે યુક્રેન પીસ સમિટમાં રશિયાને સામેલ કરવામાં આવ્યું ન હતું. આ કારણોસર ભારતે આ વલણ અપનાવવું પડ્યું. ભારત ઈચ્છે છે કે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા રશિયા અને યુક્રેન એક મંચ પર આવે તે જરૂરી છે. અમેરિકા સહિત મોટાભાગના પશ્ચિમી દેશો અને મોટા વિકાસશીલ દેશોએ તેમાં ભાગ લીધો હતો. બે દિવસની ચર્ચા બાદ તૈયાર કરાયેલા અંતિમ દસ્તાવેજમાં પ્રાદેશિક અખંડિતતાની સ્થિતિ સાથે પરમાણુ સુરક્ષા, ખાદ્ય સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પણ છે.
12 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા ન હતા
આ અંતિમ દસ્તાવેજના કેટલાક મુદ્દાઓને અસ્પષ્ટ માનતા, ભારત, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, UAE સહિત 12 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા ન હતા. સમિટમાં નિરીક્ષક તરીકે ભાગ લઈ રહેલા બ્રાઝિલે પણ અંતિમ દસ્તાવેજ (સંયુક્ત નિવેદન) પર હસ્તાક્ષર કર્યા ન હતા, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે અનેક પ્રસંગોએ મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર તુર્કીએ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતીય પ્રતિનિધિમંડળે સમિટના ઉદઘાટન અને સમાપન સત્રમાં ભાગ લીધો હતો.