હાફિઝ સઈદ અમને સોંપી દો, ભારતે કુખ્યાત આતંકી પ્રત્યાર્પણની માંગ કર્યાનો પાક. મીડિયાનો દાવો
પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, મોદી સરકારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને સત્તાવાર પત્ર પણ સોંપ્યો
ઈસ્લામાબાદ,તા.28 ડિસેમ્બર 2023,ગુરુવાર
પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ અને આતંકી સંગઠન લશ્કર એ તોઈબાના સ્થાપક હાફિઝ સઈદને સોંપી દેવા માટે ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ માંગ કરી છે. ભારત સરકારે પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યુ છે કે, ભારતમાં આતંકી હુમલા કરવાનાર હાફિઝનુ પ્રત્યાર્પણ કરવામાં આવે.
કોણે કર્યો દાવો?
આ દાવો પાકિસ્તાની મીડિયાએ કર્યો છે અને તેના કારણે પાકિસ્તાનમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી જવાની શક્યતા છે. પાકિસ્તાની મીડિયાનુ કહેવુ છે કે, મોદી સરકારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને સત્તાવાર પત્ર પણ સોંપ્યો છે. ભારતની માંગણી બાદ પાકિસ્તાની સરકાર બરાબર ફસાઈ છે. પાકિસ્તાની મીડિયાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ ખબરનુ સમર્થન પણ નથી કર્યુ અને તેને રદિયો પણ નથી આપ્યો. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર એઝાઝ સઈદના કહેવા પ્રમાણે પાકિસ્તાન હાફિઝ સઈદને ભારતને સોંપી દેવી કોઈ શક્યતા નથી. હાલમાં હાફિઝ સઈદ જેલમાં છે અને પાકિસ્તાનની ચૂંટણીમાં પણ તેનો ખાસો પ્રભાવ પડશે.
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે હાફીઝ સઇદ
ભારતે પ્રત્યાર્પણની માંગ એવા સમયે કરી છે જ્યારે હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગે એલાન કર્યુ છે કે, પાકિસ્તાનમાં આગામી વર્ષે થનારી ચૂંટણીમાં અમે ભાગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદ પુલવામા તેમજ મુંબઈ પર થયેલા આતંકી હુમલા સહિત ઘણા હુમલાનો માસ્ટર માઈન્ડ છે. યુએન દ્વારા પણ તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેના પર એક લાખ ડોલરનુ ઈનામ જાહેર કરેલુ છે. વૈશ્વિક સ્તરે આતંકી જાહેર થયા પછી પણ પાકિસ્તાનમાં તેની પાર્ટીને ચૂંટણી લડવા માટે પરવાનગી મળેલી છે. હાફિઝે પાકિસ્તાનમાં દરેક સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેનો પુત્ર તલ્હા પણ ચૂંટણી લડવા જઈ રહ્યો છે.