UNમાં પાકિસ્તાનને ભારતે ખખડાવ્યું! લઘુમતી સમુદાયની મહિલાઓની સ્થિતિને લઈને કરી ટીકા
India criticizes Pakistan in UN : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પી હરીશે શુક્રવારે (25 ઓક્ટોબર) યુએનએસસીમાં ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયની મહિલાઓની દયનીય સ્થિતિ પર પણ પાકિસ્તાનનો ઉધડો લીધો હતો.
માનવાધિકાર પંચના આંકડા રજૂ કર્યા
યુએનએસસીમાં પાકિસ્તાન પર પ્રહાર કરતા પી હરીશે કહ્યું હતું કે, 'આ નિંદનીય છે કે પ્રતિનિધિમંડળે અહંકાર અને ખોટી માહિતી તેમજ દુષ્પ્રચાર ફેલાવાની રણનીતિના આધારે ભડકાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. મહત્ત્વપૂર્ણ ચર્ચામાં આ પ્રકારનું રાજકીય પ્રચાર કરવું સંપૂર્ણપણે ખોટું છે. અમે ખૂબ સારી રીતે જાણીએ છે કે, પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાય, ખાસ કરીને હિંદુઓ, શીખો અને ખ્રિસ્તી મહિલાઓની કેવી દયનીય સ્થિતિ છે. પાકિસ્તાનના જ માનવાધિકાર પંચના આંકડાઓ મુજબ, આ લધુમતિ સમાજની આશરે એક હજાર મહિલાઓ દર વર્ષે અપહરણ, બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન અને બળજબરીપૂર્વક લગ્નનો શિકાર બને છે. હું હજુ પણ ઘણું બધું બતાવી શકું છું પણ હું અહીં મારી વાત સમાપ્ત કરૂં છું.'
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં નવા 600 સૈનિકોની કરાઈ ભરતી, આતંકવાદી ઘટનાઓને લઈને BSFની મોટી તૈયારી
દરેક સ્તરે મહિલાઓની ભાગીદારી જરૂરી
યુએનએસીમાં ચર્ચા દરમિયાન ભારતે મહિલાઓ, શાંતિ અને સુરક્ષા એજન્ડા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી હતી. હરીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'કાયમી શાંતિ માટે રાજકારણ, શાસન, સંસ્થા-નિર્માણ, કાયદાનું શાસન, સુરક્ષા ક્ષેત્ર અને આર્થિક સુધારા સહિત નિર્ણય લેવાના દરેક સ્તરે મહિલાઓની સંપૂર્ણ, સમાન, અર્થપૂર્ણ અને સુરક્ષિત ભાગીદારીની જરૂર છે. પાંચમા સૌથી મોટા સૈન્ય યોગદાનકર્તા તરીકે, ભારતે 2007માં લાઇબેરિયામાં સૌપ્રથમ મહિલા પોલીસ એકમ તૈનાત કરી હતી, જેણે યુએન શાંતિ સ્થાપનામાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમના કામને લાઇબેરિયા અને સંયુક્ત રાષ્ટ્રમાં જબરદસ્ત પ્રશંસા પણ મળી છે.'
ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ
હરીશે વધુમાં જણાવ્યું હતું કે, 'ઝડપથી બદલાતી દુનિયામાં, આપણે ઓનલાઈન જોખમો અને ખોટી માહિતીને ટાળવા માટે નવી ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. અમે લિંગ ભેદભાવ ઘટાડવા, નાણાકીય સમાવેશને વધારવા અને મહિલાઓને સશક્ત કરવા માટે ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ડિજિટલ ઉપકરણોનો યોગ્ય લાભ ઉઠાવ્યો છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયથી આ ઉભરી આવેલા પડકારોને પહોંચી વળવા માટે એક મજબૂત સિસ્ટમ વિકસિત કરવા અપીલ કરીએ છીએ.'
આ પણ વાંચોઃ ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન