ભારતે અંતરિક્ષ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો, ચીને તેની ખુલ્લા મને પ્રશંસા કરી
- ભારત અંતરિક્ષ ક્ષેત્રે યુ.એસ., રશિયા, ચીનની બરોબર રહ્યું છે
- હંમેશા પાકિસ્તાનનું સમર્થન કરનારા ચીને ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સફળતાના ભરપૂર વખાણ કર્યાં
બૈજિંગ : ભારતે ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ પોતાના સ્પેસ ડૉકીંગ એક્ષપરિમેન્ટ (Spa Dex) મિશન નીચે બે ઉપગ્રહોને અંતરિક્ષમાં સફળતાપૂર્વક ડોક કર્યા (જોડી દીધા) આ ઐતિહાસિક ઉપલબ્ધિએ ભારતને અમેરિકા, રશિયા અને ચીનની બરોબર અંતરિક્ષ ક્ષેત્રે મુકી દીધું છે. તેણે મહા પ્રયત્ને આ સફળતા પ્રાપ્ત કરી છે.
આશ્ચર્યની વાત તે છે કે હમેશા પાકિસ્તાનનું જ સમર્થન કરનારા ચીનના એક રાજદ્વારી યૂ જિંગે સોશ્યલ મીડીયા પર લખ્યું, 'ભારત અને ઇસરોને Spa Dex મિશન નીચે ઉપગ્રહોનું ડોકીંગ કરવા માટે વધાઈ'
આવુ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ચીને ભારતની પ્રશંસા કરી હોય. ૨૦૧૪માં જ્યારે ભારતનું મંગળયાન (એમ.ઓ.એમ.) સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પહોંચ્યું ત્યારે પણ ચીને તેને માનવજાત માટેની એક ઐતિહાસિક સિદ્ધિ કહ્યું હતું. ૨૦૧૩માં ચંદ્રયાન-૩ છ ની સફળતા અંગે ચીની મીડિયાએ ભારતને વધાઈ આપી હતી અને બંને દેશો વચ્ચે અંતરિક્ષ સહકારની સંભાવના ઉપર ભાર મુક્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચીને તેનું પહેલું મંગળયાન યિંગ-હુઓ-૧ મિશન અસફળ રહ્યું તેનું બીજું મંગળ મિશન 'તિયાન-વેન-૧' ૨૦૨૦માં લોન્ચ કરાયું જે ૨૦૨૧માં મંગળ પર પહોંચ્યું પરંતુ પહેલો પ્રયત્ન તો નિષ્ફળ જ ગયો હતો. જ્યારે ભારતે તો પહેલા પ્રયત્ને જ સફળતા પ્રાપ્ત કરી હતી. આ રીતે તેણે વિક્રમ સર્જ્યો હતો. યુએસ કે રશિયા, કે ચીન કોઈ પહેલા પ્રયત્ને મંગળની ભ્રમણ કક્ષામાં તેનો ઉપગ્રહ મુકી શક્યા ન હતાં.