ભારતે ચીનના વિસ્તારમાં અરુણાચલ પ્રદેશ બનાવ્યું: ડ્રેગને ફરી કરી હવાબાજી
- વિદેશ મંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને બેબુનિયાદ અને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2024, મંગળવાર
ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પર કરવામાં આવી રહેલા દાવાનો વિદેશ મંત્રી એસ જયશંકરે જવાબ આપ્યો છે. તેમણે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને બેબુનિયાદ અને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. હવે જયશંકરના આ નિવેદન પર ચીનની પણ પ્રતિક્રિયા આવી છે.
જયશંકરે સિંગાપુરમાં નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝને સંબોધિત કરતી વખતે કહ્યું કે આ કોઈ નવી બાબત નથી. ચીન હંમેશા આવા દાવા કરતું રહ્યું છે. આ દાવાઓ પહેલા પણ બેબુનિયાદ હતા અને આજે પણ બેબુનિયાદ છે.
સિંગાપુરની ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા જયશંકરે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. અમે આ અંગે ખૂબ જ સ્પષ્ટ છીએ. આ સરહદ વાટાઘાટોનો એક ભાગ હશે જે થઈ રહી છે.
ચીને શું કહ્યું?
જયશંકરના આ નિવેદન પર હવે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ચીન અને ભારત વચ્ચેની સરહદને ક્યારેય સીમાકિંત(Delimited) કરવામાં નથી આવી અને તે પૂર્વી સેક્ટર, મધ્ય સેક્ટર, પશ્ચિમી સેક્ટર અને સિક્કિમ સેક્ટરમાં વિભાજિત થઈ ગઈ છે. પૂર્વીય સેક્ટરમાં ઝંગનાન(Zangnan) ચીનનો વિસ્તાર રહ્યો છે. આ એક એવી મૂળભૂત હકીકત છે જેને નકારી ન શકાય.
ચીનનું કહેવું છે કે ભારતે 1987માં ગેરકાયદેસર કબજા વાળા ચીનના વિસ્તારો પર અરુણાચલ પ્રદેશ બનાવ્યું હતું. ચીને ત્યારે નિવેદન જારી કરીને તેનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતનું આ પગલું ગેરકાયદેસર અને અમાન્ય છે. તેનાથી ચીનના વલણમાં કોઈ ફેરફાર નહીં થશે.
અરુણાચલ અંગે અમેરિકાએ પણ ચીનને ઝટકો આપ્યો હતો
અમેરિકાએ તાજેતરમાં જ કહ્યું હતું કે તે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પ્રાદેશિક દાવાના પ્રયાસોનો સખત વિરોધ કરે છે. અમેરિકાએ કહ્યું હતું કે, તે અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માને છે. અમે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેના અથવા કોઈપણ નાગરિક દ્વારા કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા અતિક્રમણના દાવના એકપક્ષીય પ્રયાસની સખત નિંદા કરીએ છીએ.
ચીને PM મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો હતો વિરોધ
PM મોદીએ તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને લઈને ચીને ભારત સામે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે આનાથી ભારત-ચીન સરહદ વિવાદ વધુ વધશે. વેનબિને કહ્યું હતું કે ભારતને ચીનના ઝંગનાનનો વિકાસ કરવાનો કોઈ અધિકાર નથી.
ચીનના આ વિરોધનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.