'કેનેડામાં હિન્દુઓ પર હુમલા અત્યંત નિરાશાજનક...' ભારતે ટ્રુડો સમક્ષ નારાજગી વ્યક્ત કરી
Attack On Hindu Temple In Canada: દિવાળી પર્વ નિમિત્તે કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર શીખ અલગાવવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની આકરી નિંદા થઈ રહી છે. ભારતે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરતાં ટ્રુડો સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે નિવેદન જાહેર કર્યું છે કે, ટોરેન્ટો નજીક બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભારત વિરોધી તત્ત્વોએ હિંસા કરી છે. આ લોકોએ મંદિરમાં ઘૂસીને હિન્દુઓને માર પણ માર્યો છે. આ પ્રકારનું વર્તન ક્યારેય સાંખી નહીં લેવાય કારણ કે, કેનેડા સરકારે આટલા ગંભીર મુદ્દા પર ધ્યાન આપ્યું નથી.
ભારતે કેનેડાના જસ્ટિસ ટ્રુડો પર સીધો જ આરોપ મૂકતા કહ્યું છે કે, ‘કેનેડામાં ઉપલબ્ધ સુરક્ષા સ્થિતિના કારણે કેનેડાના અધિકારીઓએ આ આયોજનો માટે મજબૂત સુરક્ષા કરવા પહેલાંથી જ કહ્યું હતું, પરંતુ ટ્રુડોએ ધ્યાન આપ્યું નહીં.’
આ પણ વાંચોઃ રેડ લાઇન ક્રોસ થઈ ગઈ: ખાલિસ્તાની હુમલા બાદ કેનેડાના સાંસદની ચેતવણી, કહ્યું- હિન્દુઓની રક્ષા ખતરામાં
ટ્રુડોએ ધરપકડ કરી જ નથી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિન્દુ સભા મંદિર પરના હુમલાની નિંદા કરવાથી અને ખાલિસ્તાનીઓ દ્વારા વિનાશ સર્જવાની ઘટના પર મૌન રહ્યા છે. ટ્રુડોએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે દરેક કેનેડિયનને મુક્તપણે અને સુરક્ષિત રીતે આસ્થાનું પાલન કરવાનો અધિકાર છે. બ્રેમ્પ્ટનમાં મંદિર પર થયેલા હુમલા અંગે પીએમ ટ્રુડોએ કહ્યું કે બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર દુઃખ વ્યક્ત કરી ઘટનાની નિંદા કરી છે, પરંતુ વાસ્તવમાં ટ્રુડોએ આરોપીઓની ધરપકડ કરી જ નથી. જે તેમની હિન્દુઓ અને ખાલિસ્તાની વચ્ચેનો ભેદભાવ અને બેવડી નીતિનો સંકેત આપે છે.
પહેલાં દેખાવો કર્યા, પછી અચાનક હુમલો કર્યો
બ્રેમ્પ્ટનના મંદિરમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વીડિયોમાં શીખ અલગતાવાદીઓએ પહેલાં દેખાવો કર્યા અને બાદમાં અચાનક હિન્દુઓ પર હુમલો કર્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ હિંદુઓ પર લાકડીઓ વડે હુમલો કરી મંદિરમાં ઘૂસીને ભારે હંગામો મચાવ્યો હતો. મામલો વધી જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર નિયંત્રણ લીધુ હતું.