Get The App

અમેરિકન ગુપ્તચર એજન્સીનો વધુ એક ધડાકો, ફેન્ટાલિન મામલે ભારત-ચીનનું નામ આપ્યું

Updated: Mar 26th, 2025


Google News
Google News
અમેરિકન ગુપ્તચર એજન્સીનો વધુ એક ધડાકો, ફેન્ટાલિન મામલે ભારત-ચીનનું નામ આપ્યું 1 - image


Fentanyl Drug Smuggling : અમેરિકન ગુપ્તચર એજન્સીએ ભારત-ચીનનો ઉલ્લેખ કરી ચોંકાવનારો ધડાકો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે, ભારત-ચીને ફેન્ટાનિલ જેવી ઘાતક દવાઓનું ઉત્પાદન કરવા માટે તસ્કરો સાથે હાથ મીલાવી કાચા માલની સપ્લાય કરી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકામાં ફેન્ટાનિલ અને અન્ય સિન્થેટિક ડ્રગ્સની દાણચોરીમાં ધરખમ વધારો થતાં ટ્રમ્પ વહિવટી તંત્ર આકરા પગલાઓ ભરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકન સેનેટમાં એક વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ફેન્ટાનિલ ડ્રગ્સના ખતરાને પહોંચી વળવાના ઉપાયો બતાવાયા છે. જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન ગુપ્તચર એજન્સીનો ભારત-ચીન વિરુદ્ધનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

ફેન્ટાનિલ જેવી ઘાતક ડ્રગ્સના ઉત્પાદન પાછળ ભારત-ચીનનો હાથ

રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ભારત અને ચીન ભેગા મળીને ફેન્ટાનિલ જેવી ઘાતક દવાઓનું ઉત્પાદન કરવા માટે કાચા માલની સપ્લાય કરી રહ્યા છે. એજન્સીના એટીએ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંને દેશોએ ફેન્ટાનિલનું ગેરકાયદે ઉત્પાદન કરનારા તસ્કરી સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે અને રસાયણ અને ઉપકરણ સપ્તાય કરી રહ્યા છે.

ડ્રગ્સના કારણે 52000 અમેરિકનોના મોત

વાસ્તવમાં અમેરિકામાં ઘણા વર્ષોથી ફેન્ટાલિન સંબંધીત મામલાઓ વધી ગયા છે અને તેની અસર જીવલેણ બની રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, આ દાણચોરીના કારણે વર્ષ 2024 સુધીમાં 52000થી વધુ અમેરિકન નાગરિકોના મોત થયા છે. ફેબ્રુઆરી-2025માં વ્હાઈટ હાઉસે આપેલા આંકડા પ્રમાણે, 2023-24ના નાણાકીય વર્ષમાં, કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનએ અમેરિકાની સરહદેથી 21,000 પાઉન્ડ એટલે કે લગભગ 9500 કિલોથી વધુ ફેન્ટાલિન પકડયું હતું, અમેરિકાના દાવા પ્રમાણે આ ફેન્ટાનાઈલ 4 અબજથી વધુ લોકોને મારવા માટે પૂરતું છે. 

ફેન્ટાનિલ ડ્રગની દાણચોરીમાં ભારતનું નામ પ્રથમવાર ટોપ પર

રિપોર્ટ મુજબ, ‘આમ તો પહેલાથી જ અમેરિકામાં ચીન અને મેક્સિકોમાંથી ફેન્ટાનિલ ડ્રગની દાણચોરી થઈ રહી છે, જોકે હવે પ્રથમવાર ભારતનું નામ ટોપ પર આવ્યું છે. 2024 સુધી ભારતનું નામ યાદીમાં ઘણું પાછળ હતું, જોકે પ્રથમવાર આવું બન્યું છે કે, ભારત-ચીનને સમાન ક્રમાંકે રખાયા છે. વાસ્તવમાં ટ્રમ્પે ફેન્ટાનિલ તસ્કરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પે ટેરિફ વૉર છંછેડી ભારત-ચીન સાથે શિંગળા ભેરવી રહ્યું છે, તેથી સ્વાભાવિક છે કે, તેઓ ભારત પર કોઈને કોઈ પ્રકારે આક્ષેપ કરતા રહેવાના છે.

આ પણ વાંચો : અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં ટ્રમ્પે કર્યો મોટો ફેરફાર, મતદાન માટે હવેથી નાગરિકતાનો પુરાવો ફરજિયાત

ફેન્ટાનિલ શું છે અને કેમ ખતરનાક છે?

ફેન્ટાનિલ મૂળ એક પેઈન કિલર છે કે જેનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થઈ રહ્યો છે. હેરોઈન કરતાં 30થી 50 ગણું વધુ અને મોર્ફિન કરતાં 50થી 100 ગણું વધુ શક્તિશાળી ફેન્ટાનિલનો ઉપયોગ અત્યંત જીવલેણ રોગોની સારવારમાં થાય છે. ખાસ કરીને કેન્સરના દર્દીઓ અને અત્યંત પિડાદાયક સર્જરી પછી સાજા થઈ રહેલાં દર્દીને પેઈન કિલર તરીકે અપાય છે. ફેન્ટાનિલ કોઈ પણ પિડામાં અત્યંત ઝડપથી રાહત આપે છે પણ તેનો ઓવરડોઝ જીવલેણ સાબિત થઈ શકે છે. જરૂરી માત્રા કરતાં ઓછી માત્રામાં લેવામાં આવે તો પણ તેની ભયાનક આડઅસર થઈ શકે છે તેથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈને પણ ફેન્ટાનિલ આપવામાં નથી આવતી. 

WHOની આવશ્યક દવાઓની યાદીમાં ફેન્ટાનિલ

ફેન્ટાનિલના શોધક પોલ જેન્સેન હતા. પોલ જેન્સેને પહેલી વાર 1959માં ફેન્ટાનિલની ફોર્મ્યુલા રજૂ કરી હતી. તેનો ઉપયોગ અત્યંત અસરકારક લાગતાં 1968માં યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિકલી ફેન્ટાનિલના ઉપયોગને મંજૂરી અપાઈ હતી. અમેરિકાના પગલે દુનિયાના બીજા દેશોમાં પણ તેને મંજૂરી અપાતાં ધીરે ધીરે ફેન્ટાનિલ વિશ્વવ્યાપી બની ગઈ. વિશ્વ આરોગ્ય સંસ્થાની આવશ્યક દવાઓની યાદીમાં પણ ફેન્ટાનિલનો સમાવેશ કરાયો છે. 

માત્ર 2 મિલિગ્રામનો ડોઝ લે તો માણસનું મોત નિશ્ચિત

અત્યારે વૈશ્વિક સ્તરે દર્દીઓને આપવા માટે દર વરસે લગભગ 2000 કિલો ફેન્ટાનિલનો ઉપયોગ થાય છે. એકલા અમેરિકામાં જ લગભગ 10 લાખ લોકોને સત્તાવાર રીતે ફેન્ટાનિલ પ્રીસ્ક્રિપ્શન મારફતે અપાય છે. આખી દુનિયામાં સત્તાવાર રીતે કરોડો લોકો ફેન્ટાનિલનો ઉપયોગ કરે છે. તેની સામે કોઈને વાંધો નથી પણ ડ્રગ્સ તરીકે તેનો ઉપયોગ જીવલેણ હોવાથી વિરોધ થાય છે. ફેન્ટાનિલ ભૂલથી ચામડી મારફતે શરીરમાં જતું રહે અથવા સૂંઘવામાં આવે તો માત્ર 2 મિલિગ્રામનો ડોઝ પણ માણસને મારી નાંખે છે.

આ પણ વાંચો : દક્ષિણ કોરિયામાં આગ વિકરાળ બની; 1300 વર્ષ જૂનું બૌદ્ધ મઠ, 200 ઈમારત રાખ, 18ના મોત

Tags :