'ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થી થઈ શકે' યુક્રેન યુદ્ધ અંગે શાંતિ મંત્રણા માટે પુતિનનું સૂચન

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
'ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થી થઈ શકે' યુક્રેન યુદ્ધ અંગે શાંતિ મંત્રણા માટે પુતિનનું સૂચન 1 - image


- અમારો મુખ્ય હેતુ યુક્રેનનો ડોન-બાસ વિસ્તાર કબજામાં લેવાનો છે : રશિયન સેના કુર્સ્ક વિસ્તારમાંથી યુક્રેનની સેનાને ધીમે ધીમે પાછી હઠાવે છે

નવી દિલ્હી : પ્રમુખ પુતિને યુક્રેન-યુદ્ધ અંગે શાંતિ મંત્રણા હાથ ધરવા મહત્વનું સૂચન કરતાં જણાવ્યું હતું કે, આ શાંતિ મંત્રણામાં ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે તેમ છે. ઇસ્ટર્ન- ઇકોનોમિક ફોરમને સંબોધન કરતાં તેઓએ કહ્યું, અત્યારે તો અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના ડોન-બાસ પ્રદેશને કબજામાં લેવાનો છે. કુર્સ્ક ક્ષેત્રમાંથી રશિયન સેના યુક્રેનની સેનાને ધીમે ધીમે પાછળ હટાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ પુતિને આ વિધાનો તેવે સમયે કર્યા છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ યુક્રેનની અને તે પૂર્વે રશિયાની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની તે મુલાકાતો અત્યંત મહત્વની બની રહી અને તેની વૈશ્વિક સ્તરે ચર્ચા પણ થતી હતી.

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે ગયા હતા. તેઓની તે મુલાકાત એવા સમયે યોજાઇ હતી કે, જ્યારે નાટો સમિટ ચાલી રહી હતી, તેઓ પુતિનને ભેટયા પણ હતા. સાથે કહ્યું હતું કે યુદ્ધનાં મેદાનો પર શાંતિનો માર્ગ નીકળે નહીં. રશિયામાં તેઓને રશિયાનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધી એમોસ્ટલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ યુક્રેનના પ્રમુખ તેઓની રશિયાની મુલાકાતથી નારાજ હતા અને જાહેરમાં તે અંગે ટીકા પણ કરી હતી. વડાપ્રધાન મોદી, પ્રમુખ ઝેલેન્સ્કીની સાથે તેના નેશનલ મ્યુઝિયમમાં ગયા હતા. જયાં બંને નેતાઓ ભાવુક થઈ ગયા હતા. તેની કેટલીએ તસ્વીરો વિડીયો પર વાયરલ થઇ હતી.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ અનુરોધ કરતાં કહ્યું હતું કે, યુક્રેને જરા પણ સમય ગુમાવ્યા સિવાય શાંતિ-મંત્રણામાં જોડાવું જોઈએ. તેઓએ કહ્યું, સમાધાનનો માર્ગ મંત્રણા દ્વારા જ મળી શકે, સમાધાન ડાયલોગ ડીપ્લોમસીથી જ મળી શકે. આપણે જરા પણ સમય ગુમાવ્યા વિના તે દિશામાં આગળ વધવું જોઈએ. ઝેલેન્સ્કીએ કહ્યું તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના ખભા ઉપર હાથ મુકીને કહ્યું હતું કે, તમોને આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે હું તમોને સંપૂર્ણ સહાય કરીશ, તેટલો વિશ્વાસ રાખજો.

આ પૂર્વે તેઓ જ્યારે પુતિનને મળ્યા ત્યારે આંખમાં આંખ મેળવી કહ્યું હતું કે, આ યુગ યુદ્ધનો યુગ નથી. કોઇ પણ સમસ્યાનું સમાધાન યુદ્ધ-ક્ષેત્રમાં મળી ન જ શકે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થપાય તે માટે ભારત સતત પ્રયત્નો કરી જ રહ્યું છે. ઝેલેન્સ્કીને પણ કહ્યું હતું કે, શાંતિ સ્થાપવામાં તેઓ સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે. હું તમોને ખાતરી આપવા માગું છું કે, શાંતિના દરેક પ્રયાસોમાં ભારત સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે.


Google NewsGoogle News