ભારત-કેનેડા વચ્ચેના વિવાદની આડઅસર! ભારતીય વિદ્યાર્થીઓને મળતી સ્ટડી પરમિટમાં 86%નો ઘટાડો
કેનેડાના ઈમિગ્રેશન મંત્રીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું - બંને દેશોના વિવાદની શિક્ષણ જગત પર અસર
image : Freepik |
India vs Canada Row | ભારત-કેનેડા વચ્ચેના વિવાદ હવે પહેલા જેવા રહ્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં શિક્ષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. જોકે તાજેતરના ઘટનાક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થવાની વાત સામે આવી છે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રીએ શું કહ્યું?
અહેવાલ અનુસાર કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ કહ્યું કે ભારતથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ભવિષ્યમાં વધશે તેની શક્યતા પણ ઓછી છે. કેનેડા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને જે પરમિટ મળે છે તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અહેવાલ અનુસાર લગભગ 86 ટકા ઓછા ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી છે. કેનેડા સરકારના અધિકારીએ કહ્યું કે ગત વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો એવું એટલા માટે થયું કેમ કે ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેનું એક પરિણામ એ પણ હતું કે કેનેડામાં અભ્યાસ માટે અગાઉની તુલનાએ ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા
ઈમિગ્રેશન મંત્રી મિલર કહે છે કે બંને દેશો વચ્ચેના વણસેલા સંબંધોની અસર શિક્ષણ જગત પર થઇ રહી છે. વિવાદને લીધે ભારતથી ખૂબ ઓછા લોકો અરજી કરી રહ્યા છે. આ સાથે તેને પ્રોસેસ કરનારા અધિકારીઓની સંખ્યા પણ લગભગ અડધી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબરમાં 41 કેનેડિયન રાજદ્વારીઓને ભારતથી તગેડી મૂકાયા હતા.
છેલ્લા ક્વાર્ટરમાં માત્ર 14,910 વિદ્યાર્થીઓને જ પરમિટ મળી
સત્તાવાર માહિતી અનુસાર બંને દેશો વચ્ચે તંગદિલીને કારણે ગત વર્ષની ચોથી ત્રિમાસિકમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પરમિટ ત્રીજી ત્રિમાસિકની તુલનાએ 86 ટકા સુધી ઘટી ગઇ હતી એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ 1,08,940 પરમિટ આપવામાં આવી હતી. જોકે ચોથી ત્રિમાસિકમાં માત્ર 14,910 વિદ્યાર્થીઓને જ પરમિટ મળી શકી. ઓટ્ટાવા ખાતેના ભારતીય હાઈ કમિશનના સલાહકાર સી ગુરુસ ઉબ્રમણિયમે જણાવ્યું હતું કે કેનેડિયન સંસ્થાઓમાં હોસ્ટેલ અને શૈક્ષણિક ધોરણોમાં કથિત ઘટાડાને કારણે ભારતથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અન્ય વિકલ્પો અંગે વિચારવા લાગ્યા છે.
કેનેડાની તિજોરીને 13.64 ટ્રિલિયન રૂપિયાની વાર્ષિક આવક
એ પણ રસપ્રદ છે કે 2022માં કેનેડા જતા કુલ વિદ્યાર્થીઓમાંથી 41 ટકા ભારતીયો (2,25,835 વિદ્યાર્થીઓ) હતા. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના જવાથી કેનેડાની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. એક અંદાજ મુજબ તેનાથી કેનેડાની વાર્ષિક આવક લગભગ 22 બિલિયન કેનેડિયન ડોલર એટલે કે 16.4 બિલિયન અમેરિકી ડોલર થાય છે જે ભારતીય ચલણમાં આ રકમ 13.64 ટ્રિલિયન રૂપિયા થાય છે.