બાઈડેને ખભા પર મૂક્યો હાથ, PM મોદીએ ટ્રુડો સામે સ્મિત કર્યું પણ હાથ ન મિલાવ્યો: G20નું સમાપન
G20 Summit: બ્રાઝિલની રાજધાની રિયો ડી જેનેરિયામાં G20 સમિટનું સમાપન થયું છે. દક્ષિણ આફ્રિકાને 2025માં યોજાનારી આગામી સમિટની યજમાની કરવાની તક મળી છે. તમામ સભ્યો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત ઘોષણાપત્રમાં ભૂખમરા સામે લડવા માટે વૈશ્વિક સમજૂતી, યુદ્ધગ્રસ્ત ગાઝા માટે વધુ સહાય અને મધ્ય પૂર્વ અને યુક્રેનમાં લડાઈનો અંત લાવવા માટે અપીલ કરાઈ હતી.
G20 સમિટના બીજા દિવસે ફોટો સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી હસતા જોવા મળ્યા, ટ્રુડો હસતા હતા અને બાયડેન બંને સાથે વાત કરી રહ્યા હતા. જો બાઈડેન વડાપ્રધાન મોદીના ખભા પર હાથ મુકે છે. જ્યારે વડાપ્રધાન મોદી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સામે હસતા હતા, પરંતુ હાથ મિલાવ્યો નહતો. ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ગયા વર્ષે G20 સમિટ બાદ શરૂ થયો હતો. ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ભાગેડૂ વિજય માલ્યા અને નીરવ મોદીને પાછા લાવવા ભારતનું બ્રિટન પર દબાણ
G20માં પીએમ મોદીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (19મી નવેમ્બર) બ્રાઝિલ, ચિલી અને આર્જેન્ટિનાના પ્રમુખને મળ્યા હતા અને સંરક્ષણ, ઊર્જા, બાયોફ્યુઅલ અને કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. નાઈજીરિયાની બે દિવસની મુલાકાત બાદ રવિવારે બ્રાઝિલના રિયો ડી જેનેરિયામાં પહોંચેલા વડાપ્રધાન મોદી અહીં G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાને મળ્યા હતા અને G20ના અધ્યક્ષતા દરમિયાન કરવામાં આવેલા વિવિધ પ્રયાસો માટે બ્રાઝિલનો આભાર માન્યો અને પ્રશંસા કરી હતી.