ભારત અને કેનેડા વચ્ચેના વિવાદને કારણે આ કંપનીઓનું ટેન્શન વધી ગયું, કર્યું છે મોટું રોકાણ
India Canada Trade Relation: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારતીય ઈન્ડસ્ટ્રીઝ પર થવાની ભીતિ વર્તાઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના ભારત પર સતત આકરા પ્રહારોથી ભારતે કાર્યવાહી હાથ ધરતાં કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતાં. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવથી ખાસ કરીને કેનેડિયન પેન્શન ફંડનું રોકાણ ધરાવતી ભારતીય કંપનીઓમાં ટેન્શન વધ્યું છે. કોટક મહિન્દ્રા બેન્ક, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો સહિત અન્ય કંપનીઓમાંથી રોકાણ પાછું ખેંચાઈ શકે છે.
આ ક્ષેત્રોમાં કેનેડાનું રોકાણ
કેનેડા પેન્શન ફંડનું ભારતમાં મોટું રોકાણ છે અને તે દેશની ઘણી મોટી કંપનીઓમાં મજબૂત હિસ્સો ધરાવે છે. CPPIB એ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, IT અને નાણાકીય સેવાઓ કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે. એક અહેવાલ અનુસાર, CPPIB નું કોટક બેન્કમાં તેનું રૂ. 6141.6 કરોડનું, જ્યારે ઝોમેટોમાં આશરે રૂ. 2,778.1 કરોડનું રોકાણ (1.15 ટકા હિસ્સો) છે, આ ઉપરાંત, ડેલ્હીવરી લિમિટેડ અને એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડમાં પણ મોટી રકમમાં રોકાણ ધરાવે છે.
આ પણ વાંચોઃ નાગરિકતા કાયદાની કલમ 6A કાયદેસર...', સુપ્રીમના 5 જજોની બંધારણીય બેન્ચનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
આ કંપનીઓમાં પણ રોકાણ
રિપોર્ટ અનુસાર, કેનેડિયન પેન્શન ફંડે અન્ય ઘણી ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે અને આ યાદીમાં ઓનલાઈન પેમેન્ટ સર્વિસ જાયન્ટ Paytm, Nykaa, Indus Tower સમાવિષ્ટ છે. જો કે, કેનેડા અને ભારત વચ્ચે વધતા જતાં રાજદ્વારી તણાવ છતાં, કેનેડિયન ફંડ્સ પાસે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં આશરે રૂ. 1.98 લાખ કરોડની સ્થાનિક ઇક્વિટી હતી અને આ આંકડાને જોતા એવું લાગે છે કે CPPIB અત્યારે બહાર નીકળવાની કોઈ ઉતાવળમાં નથી. જો કે છેલ્લા એક વર્ષથી તે હિસ્સો ઘટાડી રહી છે.
40 હજાર કરોડનું રોકાણ
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા ગયા વર્ષે જારી કરાયેલા અહેવાલ મુજબ, કેનેડામાં 30થી વધુ ભારતીય કંપનીઓની હાજરી છે અને તેમના દ્વારા કેનેડામાં રૂ. 40,446 કરોડનું રોકાણ થયું છે. આ કંપનીઓ દ્વારા 17 હજારથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. આ કંપનીઓનો R&D ખર્ચ પણ 700 મિલિયન કેનેડિયન ડોલર છે.
કેનેડાની 600 કંપનીઓનો ભારતમાં બિઝનેસ
રિપોર્ટ અનુસાર, લગભગ 600 કેનેડિયન કંપનીઓ ભારતમાં પોતાનો કારોબાર કરી રહી છે અને જો આયાત-નિકાસની વાત કરીએ તો બંને દેશો વચ્ચે મોટો વેપાર છે. ભારત અને કેનેડા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2022-23માં $8.3 અબજ હતો, જે FY2023-24માં વધીને $8.4 અબજ (લગભગ રૂ. 70,611 કરોડ) થયો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન, કેનેડામાંથી ભારતની આયાત વધીને 4.6 અબજ ડોલર થઈ છે, જ્યારે નિકાસ ઘટી 3.8 અબજ ડોલર થઈ છે. એક અહેવાલ મુજબ, 2013થી 2023 સુધીમાં, ભારતમાં કેનેડિયન પેન્શન ફંડ્સ દ્વારા કરવામાં આવેલ મોટાભાગનું રોકાણ રિયલ એસ્ટેટ (3.8 અબજ કેનેડિયન ડોલરથી વધુ), નાણાકીય સેવાઓ (3 અબજથી વધુ કેનેડિયન ડોલર) અને ઔદ્યોગિક પરિવહન (લગભગ 2.6 અબજ કેનેડિયન ડોલર). ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ મોટું રોકાણ કરવામાં આવ્યું છે.
આ ચીજોની આયાત-નિકાસ
ભારત કેનેડામાં રત્ન, ઝવેરાત અને કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, તૈયાર વસ્ત્રો, યાંત્રિક ઉપકરણો, ઓર્ગેનિક કેમિકલ, લાઈટ એન્જિનિયરિંગ પ્રોડ્ક્ટ્સ, લોખંડ અને સ્ટીલ નિકાસ કરે છે. જ્યારે કેનેડામાંથી ભારત કાગળ, લાકડાનો પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, આયર્ન સ્ક્રેપ, તાંબુ, ખનીજ અને ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ખરીદે છે.